નવી દિલ્હી, તા. 21 : શેખ હસીનાએ
નવી દિલ્હીમાં આશરો લીધા બાદથી ભારત અને બાંગલાદેશના દ્વિપક્ષીય સંબંધોમાં સતત તણાવ
જોવા મળી રહ્યો છે. આ જ સમયગાળામાં બાંગલાદેશ હવે પાકિસ્તાન અને ચીન સાથે પોતાના સંબંધો
વધુ મજબૂત કરી રહ્યું છે, હવે ઢાકા તરફથી
`ઇસ્લામિક નાટો'માં સામેલ થવાના સંકેતો આપવામાં આવ્યા છે,
જે ભારતીય કૂટનીતિ અને દક્ષિણ એશિયાની સુરક્ષા માટે નવી ચિંતાનો વિષય
બની શકે છે. પાકિસ્તાન બાદ હવે ભારતનો વધુ એક પડોશી દેશ `ઇસ્લામિક નાટો'માં જોડાઈ શકે છે. બાંગલાદેશે તાજેતરમાં એવો
ઈશારો આપ્યો હતો કે, તે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે થયેલા નવા સંરક્ષણ કરારમાં સામેલ થવાના પોતાના
વિકલ્પો ખુલ્લા રાખી રહ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગને લઈને બંને દેશ વચ્ચે
તણાવ છે. વડાપ્રધાન તારિક રહેમાનના સલાહકાર તરફથી આવેલું આ નિવેદન ભારતનું ટેન્શન નિશ્ચિતપણે
વધારી શકે છે. આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને
તુર્કીએ `મક્કા જોઈન્ટ
ડિફેન્સ એગ્રીમેન્ટ'નો પાયો નાખ્યો
હતો. આ સંરક્ષણ કરારની સૌથી મોટી અને મહત્ત્વની વિશેષતા એ છે કે, આ ત્રણમાંથી કોઈ પણ એક દેશ પર હુમલો થશે, તો તેને ત્રણેય
દેશ પર થયેલો હુમલો માનવામાં આવશે. જુલાઈ 2024માં ઢાકામાં થયેલા હિંસક છાત્ર આંદોલન બાદ શેખ હસીનાને પદ અને
દેશ બંને છોડવા પડયા હતા. 2024માં તેમની
સરકારના પતન બાદ તેમણે ભારતમાં આશરો લીધો છે, જેનાથી બંને દેશના સંબંધોમાં તિરાડ પડી છે. બાંગલાદેશ સતત હસીનાના પ્રત્યાર્પણની
માંગ કરી રહ્યું છે, જ્યારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે,
તે ઉચિત કાનૂની પ્રક્રિયા હેઠળ આ બાબતે વિચાર કરી રહ્યું છે. ભારતના
આ જવાબથી બાંગ્લાદેશ સંતુષ્ટ નથી. બંને દેશ વચ્ચેના આ કડવાશભર્યા મુદ્દાઓને લઈને વડાપ્રધાન
તારિક રહેમાનના ભારત પ્રવાસ અંગે પણ સંશય ઊભો થયો છે. હુમાયુ કબીરે સ્પષ્ટ કર્યું છે
કે, ભારત પ્રવાસને લઈને અત્યારે કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં.
જ્યાં સુધી બંને દેશ વચ્ચે ઉચિત માહોલ નહીં બને, ત્યાં સુધી આ
યાત્રા મુશ્કેલ લાગી રહી છે.