ભુજ, તા. 21 : દર વર્ષે 20 ઓગસ્ટના વિશ્વ મચ્છર દિવસની
ઉજવણી વર્ષ 1897માં સર રોનાલ્ડ રોસે માદા એનોફિલિસ
મચ્છર દ્વારા મલેરિયાના પરજીવીનું સંક્રમણ ફેલાતું હોવાની મહત્ત્વપૂર્ણ શોધ કરી હતી
તેની યાદમાં કરાય છે. મચ્છરજન્ય રોગો અંગે લોકોમાં જાગૃતિ લાવવા, મચ્છરોના ઉત્પત્તિ સ્થળો અટકાવવા અને મલેરિયા,
ડેન્ગ્યૂ તથા ચિકનગુનિયા જેવા રોગોથી બચવા જરૂરી સાવચેતી અંગે જનજાગૃતિ
કેળવવી આ દિવસનો મુખ્ય હેતુ છે. કચ્છમાં જિલ્લા
કલેક્ટર અનિલ રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય
વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને જનજાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં
આવી રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી તથા જિલ્લા વાહકજન્ય રોગ
અટકાયતી પગલાં અધિકારી ડો. કેશવકુમાર સિંગનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મચ્છરજન્ય
રોગોના સર્વેલન્સ, તપાસ, નિયંત્રણ કામગીરી
અને આરોગ્ય શિક્ષણની કામગીરી સતત કરવામાં આવી રહી છે. મુંદરા ખાતે માનવતાભરી કામગીરીનું
ઉદાહરણ જોવા મળ્યું હતું. ગોધરાથી મુંદરા ખાતે મજૂરી અર્થે આવેલા એક શ્રમિક પરિવારની
બાળકી મલેરિયા પોઝિટિવ જણાતાં નિવૃત્ત હેલ્થ સુપરવાઈઝર તથા બ્રહ્માકુમાર વિનોદભાઈ ઠક્કર
દ્વારા પોતાના ખર્ચે મચ્છરદાની ખરીદી આપી તેનું
વિતરણ કર્યું હતું. મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ, ઘરની આસપાસ પાણી
ભરાઈ ન રહે તેની કાળજી તથા મચ્છરથી બચવા માટેની અન્ય જરૂરી સાવચેતી અંગે પરિવારને સમજ
આપી હતી. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો. મેહુલ બલદાણિયા તથા અર્બન હેલ્થ સુપરવાઈઝર
પ્રકાશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખાસ કરીને સ્થળાંતરિત અને ખુલ્લામાં રહેતા
શ્રમિક પરિવારોને મચ્છરજન્ય રોગોથી બચાવવા માટે સમાજના દાતાઓ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી
આવી કામગીરીને વધુ વ્યાપક બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. મચ્છરદાની ખરીદતી વખતે
સારી ગુણવત્તાવાળી નાયલોન અથવા પોલિએસ્ટરની નેટ પસંદ કરવી, નેટમાં
કાણા ન હોય તેની ખાતરી કરવી અને ઉપયોગ દરમિયાન ચેઈન અથવા પ્રવેશદ્વાર યોગ્ય રીતે બંધ
રાખવા જોઈએ. નેટમાં કાણું પડે તો તેને તાત્કાલિક સાંધી લેવું જોઈએ અને સમયાંતરે તેને
સાફ રાખવી જોઈએ. મલેરિયા, ડેન્ગ્યૂ અથવા ચિકનગુનિયાના સંભવિત
લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે નજીકની સરકારી આરોગ્ય સંસ્થાનો સંપર્ક કરી જરૂરી
તપાસ અને સારવાર કરાવવી જોઈએ. વિવિધ તાલુકાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના
નિયંત્રણ માટે સર્વેલન્સ, તાવના કેસોની તપાસ, મચ્છરના ઉત્પત્તિ સ્થળોની તપાસ, જરૂરી નિયંત્રણ કામગીરી
તથા આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.