જામનગર, તા. 21 : ગત જુલાઈ મહિનામાં નાગાલેન્ડ
અને આસામમાં આવેલા વિનાશક પૂરમાંથી બચાવાયેલી 53 વર્ષીય માદા હાથી જોયમોતીને તાત્કાલિક અને વિશિષ્ટ પશુચિકિત્સા
સારવાર અર્થે એરલિફ્ટ કરીને વનતારા-જામનગર ખાતે લાવવામાં આવી હતી. જુલાઈના બીજા સપ્તાહ
દરમિયાન નાગાલેન્ડમાં જોયમોતી પૂરના તીવ્ર વહેણમાં તણાઈ ગઈ હતી અને ત્યારબાદ સરકારી
એજન્સીઓની મદદથી સ્થાનિક સમુદાયો દ્વારા તેને બચાવાઈ હતી. આ દુર્ઘટના દરમિયાન તેને
અનેક ઈજાઓ પહોંચી હતી, જેમાં તેના
કપાળ, જમણા કાન, પૂંછડીની ઉપરના ભાગ,
ડાબી જાંઘ અને પેટના ભાગે ઘા લાગ્યા હતા. તેની જમણી આંખ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત
થઈ છે, જેના કારણે તેને અંધાપો આવી ગયો છે. જોયમોતીને વનતારા
ખાતે લાવવાનો હેતુ માત્ર અને માત્ર તેને તાત્કાલિક અને વિશિષ્ટ પશુચિકિત્સા પૂરી પાડવાનો છે. તેને એરલિફ્ટ કરવાનો
નિર્ણય તેના કલ્યાણ અને તબીબી જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને લેવામાં આવ્યો છે. તીવ્ર
હોસ્પિટલ સંભાળના ભાગરૂપે કોઈ હાથણીને વિમાન મારફતે લઈ જવી એ ભારતમાં આ પ્રકારનો પ્રથમ
પ્રયોગ છે, જેના માટે વ્યાપક પશુચિકિત્સા, પ્રાણી સંભાળ અને લોજિસ્ટિકલ તૈયારીઓની જરૂર પડે છે. જોયમોતીનો આ કિસ્સો એ
બાબતના મહત્ત્વ પર પણ પ્રકાશ પાડે છે કે, જ્યાં પૂર, માનવ-વન્યજીવ સંઘર્ષ અને અન્ય સ્વાસ્થ્ય ઈમર્જન્સીથી હાથીઓ પ્રભાવિત થાય છે
તેવા વિસ્તારોની નજીક જ હાથીઓ માટેની વિશિષ્ટ પશુચિકિત્સા સંભાળ સુવિધાઓ હોવી જોઈએ.
વનતારાએ વન્યજીવ કટોકટી પશુચિકિત્સા સંભાળની સ્થાનિક ક્ષમતાને મજબૂત કરવા માટે આસામમાં
ત્રણ વન્યજીવ પશુચિકિત્સા સંભાળ કેન્દ્રો સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં હાથીઓ માટેના એક સમર્પિત કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. આ પ્રસ્તાવિત કેન્દ્રોમાં
પ્રજાતિ-વિશિષ્ટ સુવિધાઓ અને પશુચિકિત્સા સહાયનો સમાવેશ થશે. જોયમોતીની વનતારા સુધીની
સફર એ કોઈ કાયમી સ્થાનાંતરણ નથી, પરંતુ તેને હાલમાં જરૂરી એવી
વિશિષ્ટ જીવનરક્ષક સારવાર પૂરી પાડવાના હેતુથી કરવામાં આવેલું એક તાત્કાલિક મેડિકલ
ટ્રાન્સફર છે.