નવી દિલ્હી, તા. 20 : વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતની ચંદ્રકની
આશાને મોટો ફટકો પડયો છે. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ અને મેન્સ સિંગલ્સમાં આયુષ શેટ્ટી
રાઉન્ડ 16માં હારીને સ્પર્ધાની બહાર થયા છે. જો કે, મહિલા ડબલ્સમાં ત્રિસા-ગાયત્રીએ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચંદ્રકની
આશા જીવંત રાખી છે. પીવી સિંધુ રાઉન્ડ-16 મેચમાં ચીનની ત્રીજા ક્રમની ખેલાડી વાંગ જી વિરુદ્ધ
રસાકસી બાદ 11-21, 1પ-21 અને 21-17થી હારી હતી. આથી ચીની ખેલાડી કવાર્ટર ફાઇનલમાં પહોંચી હતી અને સિંધુની સફર સમાપ્ત
થઇ હતી. મહિલા ડબલ્સમાં ભારતીય જોડી ત્રિસા જોલી-ગાયત્રી ગોપીચંદ ઊલટફેર કરીને બેડમિન્ટન
વર્લ્ડ ચેમ્પિયનશિપની કવાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. ભારતીય જોડીએ જાપાનની સાતમા ક્રમની
જોડી રિન ઇવાનાગા-કી નાકાનિશીને બે સીધી ગેમમાં 21-16 અને 21-12થી સજ્જડ હાર આપી હતી. આ સાથે જ ત્રિસા-ગાયત્રી
પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપના રાઉન્ડ-8માં પહોંચી છે. ભારતીય યુવા ખેલાડી આયુષ શેટ્ટીની
શાનદાર સફર રાઉન્ડ-16માં સમાપ્ત થઇ ગઇ હતી. તેની સામે ઈન્ડોનેશિયાના
ખેલાડી એલ્વી ફરહાનનો 21-19 અને 21-11થી વિજય થયો હતો. આ પહેલા ગઇકાલે આયુષ શેટ્ટીએ
મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં શ્રીલંકન ખેલાડી ડુમિંડુ અબેવિક્રમાને ફકત 26 મિનિટમાં 21-8 અને 21-10થી હાર આપી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આયુષે પહેલા રાઉન્ડમાં વર્લ્ડ ચેમ્પિયન
અને નંબર વન ચીની ખેલાડી યૂ શીને હાર આપી હતી.