• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ફેવરિટ ફ્રાન્સને હરાવીને સ્પેન ફાઇનલમાં

ડલાસ, તા.15 : ફિફા વર્લ્ડકપ-2026ના પ્રથમ સેમિ ફાઇનલમાં ખિતાબની દાવેદાર ટીમ ફ્રાન્સ વિરુદ્ધ 2-0 ગોલથી શાનદાર વિજય હાંસલ કરી હોટ ફેવરિટ સ્પેન ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેની ટક્કર આર્જેન્ટિના-ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિ ફાઇનલ મેચની વિજેતા ટીમ સામે રવિવારે રાત્રે થશે. સ્પેનનો ફૂટબોલ વિશ્વ કપના ઈતિહાસમાં બીજીવાર ફાઇનલમાં પ્રવેશ થયો છે. તેણે 16 વર્ષ બાદ અંતિમ મુકાબલામાં જગ્યા બનાવી છે. આ પહેલાં 2010માં દ. આફ્રિકામાં રમાયેલા ફિફા વર્લ્ડકપમાં સ્પેન ફાઇનલમાં પહોંચ્યું હતું અને નેધરલેન્ડને હાર આપી ચેમ્પિયન બન્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, સ્પેન હાલ યૂરો કપ ચેમ્પિયન પણ છે અને હવે તેની પાસે ડબલ ટાઇટલ જીતવાનો મોકો છે. યૂરો કપ-2024ની સેમિમાં સ્પેનનો ફ્રાન્સ વિરુદ્ધ 2-1 ગોલથી વિજય થયો હતો અને ફાઇનલમાં ઈંગ્લેન્ડને હાર આપી હતી. ડલાસ સ્ટેડિયમમાં રમાયેલી ફિફા વર્લ્ડકપના સેમિ ફાઇનલમાં સ્પેન ટીમનો દેખાવ ફ્રાન્સથી વધુ પ્રભાવશાળી રહ્યો હતો. બોલ પોઝિશનથી લઇને તમામ મોરચે સ્પેન ટીમ છવાઇ ગઇ હતી. મેચની 22મી મિનિટે સ્પેનને પેનલ્ટી મળી હતી, જે મોકો મિકેલ ઓયરજાબલે ગુમાવ્યો ન હતો અને રોકેટ કિકથી ગોલ કરી સ્પેનને 1-0થી આગળ કરી દીધું હતું. પહેલા હાફની સરસાઇ બાદ બીજા હાફમાં પણ સ્પેનનો દબદબો રહ્યો હતો. પ8મી મિનિટે પેડ્રો પોરોએ શાનદાર ફિલ્ડ ગોલ કરીને સ્પેનની સરસાઇ 2-0 કરી દીધી હતી. આ પછી કેપ્ટન એમ્બાપે સહિતના ફ્રાન્સના તમામ ખેલાડીઓએ ગોલ કરવાની ભરચક કોશિશ કરી હતી, પણ તેઓ સ્પેનના ડિફેન્સને ભેદી શક્યા ન હતા. આથી સ્પેનનો 2-0થી વિજય થયો હતો અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે  ફેવરિટ ફ્રાન્સ વર્લ્ડકપમાંથી ક્રેશ આઉટ થયું હતું. ફ્રાન્સ ટીમ હવે ત્રીજા સ્થાન માટેની મેચ શનિવાર રાત્રે રમશે, જેમાં તેની સામે બીજી સેમિની પરાજિત ટીમ હશે. 

Panchang

dd