• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ભુજના ત્રણ શખ્સ સાથે સાઉથ આફ્રિકાના વિઝાના બહાને છેતરપિંડી

ભુજ, તા. 15 : બે વર્ષ પૂર્વે સાઉથ આફ્રિકા જવાના બહાને ભુજના ત્રણ શખ્સ પાસેથી 45-45 હજાર મેળવી વિઝા ન કરાવી આપી અને પૈસા પણ પરત ન અપાતાં રાજકોટના શખ્સ વિરુદ્ધ છેતરપિંડી - વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે. ભુજના જૂની રાવલવાડીમાં રહેતા બાબુભાઇ મૂરજીભાઇ મેઘવાળે ગઇકાલે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ફળિયામાં રહેતા શિવજીભાઇ ગોવિંદભાઇ પાયણ અને બુધાભાઇ તાલાભાઇ બુચિયાને સાઉથ આફ્રિકા ધંધાર્થે જવાનું હોવાથી બે વર્ષ પહેલાં આરોપી હાર્દિક જિતેન્દ્રભાઇ વાકાણી (રહે. દ્વારિકા લોરાઇઝ, માધાપર ચોકડી, રાજકોટ)નો મોબાઇલ પર સંપર્ક કરતાં તેમણે ત્રણેને જણાવ્યું કે, હું તમામ સારી વ્યવસ્થા કરાવી આપીશ. ખર્ચ 80 હજાર થશે એમ બધાને કહ્યું હતું. આથી બધાએ કહ્યું અમારી પરિસ્થિતિ સારી નથી. થોડા ઓછા રૂપિયા પોષાય તેવા કરી આપો. આથી તેમણે છેલ્લે 45 હજાર થશે તેનાથી ઓછા નહીં થાય. આથી હા પાડી તેમણે માગેલા ડોક્યુમેન્ટ્સ વોટ્સએપ પર મોકલ્યા હતા. આ બાદ તા. 25/7/24ના ફરિયાદી તથા બંને સાહેદોએ આરોપી હાર્દિકભાઇએ આપેલા બેંક ખાતામાં 30-30 હજાર નાખ્યા હતા. તા. 3/8/24ના ગૂગલ-પેથી 15-15 હજાર મોકલ્યા હતા. પૈસા મોકલ્યાના ઘણા સમય સુધી વિઝા ન મળ્યા અને ખોટા-ખોટા વાયદા કરતા રહ્યા હતા. આમ વિઝા ન આપી તેમજ નાણાં પણ પરત ન કરી આરોપી હાર્દિક વાકાણીએ છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવાઇ છે. 

Panchang

dd