• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ચીરઈના વેપારી સાથે ક્રેડિટકાર્ડ થકી 4.93 લાખની છેતરપિંડી

ગાંધીધામ, તા. 15 : ભચાઉના મોટી ચીરઈ ગામે રહેતા કરિયાણાના વેપારી સાથે સાયબર ગઠિયાઓએ ક્રેડિટકાર્ડ પરનો મોબાઈલ નંબર બદલી નાખીને રૂા. 4,93,000ની ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. મોટી ચીરઈમાં દરબારગઢ વિસ્તારમાં રહેતા અને નારાયણી કોક કંપની સામે શક્તિ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવનાર ફરિયાદી ગિરિરાજસિંહ મોહબ્બતસિંહ લાખુભા ઝાલાએ ગત તા. 4/6ના પોતાની દુકાને હતા, દરમ્યાન પોતાના ક્રેડિટકાર્ડનું સ્ટેટમેન્ટ તપાસ કરવા એચ.ડી.એફ.સી. બેંકની મોબાઈલ બેંકિંગ એપ ખોલી હતી. એપ ખોલતાં જણાયું હતું કે, ક્રેડિટકાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે. આ જોઈને ચિંતાતૂર બનેલા વેપારીએ તાત્કાલિક ભચાઉ ખાતે આવેલી એચ.ડી.એસ.સી. બેંકની શાખામાં જઈને તપાસ કરી હતી, ત્યારે બહાર આવ્યું હતું કે, વેપારીની જાણ બહાર ક્રેડિટકાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર બદલી નાખી તેની જગ્યાએ નવો નંબર લિંક કરી દેવાયો છે અને આ નવા નંબર પર ઓ.ટી.પી. મેળવીને સાયબર ગઠિયાએ વર્ચ્યુઅલ ક્રેડિટકાર્ડની મદદથી બે દિવસ દરમ્યાન જુદા-જુદા ટ્રાન્ઝેક્શન થકી કુલ રૂા. 4,93,000ની રકમ ઉપાડી લીધી હતી. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે ફોન, મેસેજ કે લિંક પર પોતાનો ઓ.ટી.પી., સી.વી.વી. પીન, પાસવર્ડ કે નેટ બેંકિંગની કોઈ જ ગોપનીય માહિતી આપી નથી, છતાં ગઠિયાઓએ ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd