ભુજ, તા. 15 : ભારે ચકચારી મુંદરા કસ્ટોડિયલ
ડેથ પ્રકરણમાં મુખ્ય આરોપી પૈકીનો પોલીસ કર્મચારી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ વચગાળાના
જામીન પર મુક્ત થઈ હાજર ન થઈ ફરાર થઈ જતાં હવે કેસ જ્યારે દલીલ પર છે ત્યારે ટ્રાયલમાં
વિલંબ ઊભો થયો છે. ફરિયાદી તથા સાહેદો પર ખતરાની આશંકા સાથે આરોપીને ઝડપવા ફરિયાદીએ
અનુરોધ કર્યો છે. ગઢવી-ચારણ સમાજના બે યુવાનના મૃત્યુવાળો કચ્છ અને બૃહદ કચ્છમાં ભારે
ચર્ચાસ્પદ રહેલો આ મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસ એક વર્ષથી આખરી દલીલ પર ચાલી રહ્યો છે
અને કેસ પૂર્ણતા તરફ જઈ રહ્યો છે ત્યારે આ કામના મુખ્ય આરોપી શક્તિસિંહ ગોહિલ હાઈકોર્ટના
ટૂંકા ગાળાના સાત દિવસના જામીન પર તા. 2/7થી 9/7 સુધી ગળપાદર
જેલમાંથી છૂટયો હતો અને તા. 10/7ના હાજર થવાનું
હતું પરંતુ તે હાજર ન થઈ ફરાર થઈ ગયો છે. આ આરોપી શક્તિસિંહ અગાઉ પણ સમયસર ટૂંકા ગાળાના
જામીન પર હાજર થયો ન હતો. ભુજ ખાતે પાલારા ખાસ જેલમાં પણ તેના વર્તન-વ્યવહાર જેલના
નિયમો વિરુદ્ધ હોવાથી આ શક્તિસિંહ અને તેના સહઆરોપી જયદેવસિંહ ઝાલાને જેલના શિસ્ત અને
સલામતીના કારણોસર ગળપાદર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે આ
કેસ પૂર્ણતા તરફ પહેંચી રહ્યો છે ત્યારે જ આ મુખ્ય આરોપી શક્તિસિંહનું ફરાર થવું તે
વર્તન ખૂબ નોંધનીય છે. આ રીતે કેસને લંબાણે પાડવા અને ટ્રાયલ આગળ ન વધે તે માટેના પ્રસાય
હોઈ શકે. વધુમાં આ કેસના સાહેદ વિજયસિંહ ઝાલા એડવોકેટ ઉપર હુમલો થયો છે ત્યારે આ આરોપી
ફરાર થતાં ફરયાદી તથા સાહેદો પર ખતરો મંડરાઈ રહ્યો છે. આથી આ ફરાર આરોપી શક્તિસિંહની
તાત્કાલિક ધરપકડ કરવા ફરિયાદીએ અનુરોધ કરતી અરજી પોલીસવડા અને સરકાર સમક્ષ કરી છે.