• ગુરુવાર, 16 જુલાઈ, 2026

રેપીડ રેલને ડીઝલ અન્જિન જોડી કુકમાથી ભુજ લવાઈ

ગાંધીધામ, તા. 15 : રેલવે દ્વારા  દેશભરમાં 100 ટકા વિદ્યુતીકરણ કરવાના લક્ષ્યાંક મુજબ કચ્છમાં સામખિયાળીથી નલિયા સુધી વિદ્યુતીકરણ થઈ  ગયું છે અને તમામ  પ્રવાસ ટ્રેનો 100 ટકા ઈલેક્ટ્રિક એન્જિન સાથે દોડાવાઈ રહી છે. મંગળવારે રાત્રિના ખોટીપો સર્જાતાં બે ટ્રેનમાં વિલંબ થયો હતો અને ડીઝલ એન્જિનથી ટ્રેનોને રવાના કરાઈ હતી. આ અંગે મળતી વિગતો મુજબ કુકમા પાસે નમોભારત રેપીડ  રેલ 10.45 કલાકે  કુકમા પહોંચી હતી. અચાનક ઝાટકા સાથે ટ્રેન ઊભી રહી જતાં  પ્રવાસીઓમાં  ગભરાટ ફેલાયો હતો. લાઈટ અને એસી બંધ થઈ જતા પ્રવાસીઓ અકળાયા હતા અને ના છૂટકે દરવાજા ખુલ્લા રાખવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત વરસતા  વરસાદ વચ્ચે ટ્રેન કલાકો સુધી અટવાઈ જતાં બાળકો અને વયસ્ક પ્રવાસીઓની હાલત ભારે કફોડી બની હતી. પ્રવાસીઓને સાચી પરિસ્થિતિની માહિતી મળી ન હોવાનું  જણાવાયું હતું. દરમ્યાન ભુજથી દાદાર જતી સયાજીનગરી એક્સપ્રેસ પણ અટવાઈ હતી અને ગાંધીધામ બે કલાકના વિલંબ બાદ પહોંચતા અંજાર, આદિપુર,ગાંધીધામ, ભચાઉ,સામખિયાળી સહિતનાં સ્ટેશનના પ્રવાસીઓ મોડી રાત્રિ સુધી મુશકેલીમાં મૂકાયા હતા. આ અંગે મળતી વિગતો મુજબ  કુકમા પાસે ઈલેક્ટ્રિક કેબલમાં ખામી સર્જાઈ હતી તેના કારણે આ બંને ટ્રેન અટવાઈ હતી. તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું હતું, પરંતુ તેમાં લાંબો સમય લાગે તેમ હતો, જેથી ડીઝલ એન્જિનથી ટ્રેનોને રવાના કારવાનો  નિર્ણય લેવાયો હતો.  પ્રથમ સયાજીનગરીને ડીઝલ એન્જિનથી  ગાંધીધામ સુધી લઈ જવાઈ હતી, નમો ભારત ટ્રેનમાં ડીઝલ એન્જિન જોડી શકાય તેવી વ્યવસ્થા ન હતી, જેથી  આગળનું કવર ખોલી ડીઝલ એન્જિન જોડીને ટ્રેનને મધરાત્રે ભુજ લઈ જવાઈ હતી. આજે સવારે પણ નમો ભારત ભુજથી એક કલાક મોડી રવાના થઈ હોવાનું જાણવા મળ્યું હતું. 

Panchang

dd