• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ત્રણ બાળક હોવાથી ચૂંટણી પ્રતિબંધ અપ્રાસંગિક

નવી દિલ્હી, તા. 15 : પંચાયત અને અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી લડવા માટે બે બાળકોનો નિયમ જારી રાખવાની કાયદેસરતા સામે સુપ્રીમ કોર્ટે કડક સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું હતું કે, ભારતમાં ઘટતાં પ્રજોત્પાદન દરને ધ્યાને રાખવામાં આવે તો વસ્તી વધતી રોકવા માટે બનાવવામાં આવેલી આ નીતિ હવે પોતાનો હેતુ પૂર્ણ કરી ચૂકી છે. જસ્ટિસ પીએસ નરસિંહા અને આલોક અરાઘેની પીઠે મહારાષ્ટ્રનાં એક સરપંચને ત્રીજું બાળક થતાં અયોગ્ય ઠરાવવાનાં નિર્ણયને પડકારતી એક અરજી ઉપર સુનાવણી કરતાં કહ્યું હતું કે, અદાલત રાજ્યનાં આવા નિયમો જાળવી રાખવા માટેનાં તર્કની ચકાસણી કરવા માટે તૈયાર છે. આ સાથે જ અદાલતે વકીલ રુક્મિણી બોબડે પાસે કોર્ટમિત્ર તરીકે મદદ પણ માગી હતી. જસ્ટિસ નરસિંહાએ સુપ્રીમ કોર્ટનાં 2003નાં ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ કેવી બેકાર નીતિ છે? જાવેદ વિરુદ્ધ હરિયાણા રાજ્યનાં કેસ ઉપર ફરી વિચારણાની આવશ્યકતા છે. દેશ હવે બદલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસનાં ફેંસલામાં સ્થાનિક ચૂંટણી લડતા ઉમેદવારો માટે બે બાળકોનાં નિયમની બંધારણીય કાયદેસરતાને યથાવત રાખવામાં આવી હતી. જો કે હવે અદાલતે કહ્યું છે કે, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતની વસ્તીનાં ચિત્રમાં ઘણો બદલાવ આવી ગયો છે. દેશનો કુલ ફર્ટિલિટી રેટ હવે 1.7 આસપાસ છે અને કેરળ, તામિલનાડુ જેવ રાજ્યોમાં તો આ દર ખુબ જ ઓછો છે. અદાલતે આગળ કહ્યું હતું કે, વર્તમાન સ્થિતિમાં આબાદી ઘટાડવા માટેની આ નીતિને જારી રાખવી સંપૂર્ણપણે ગેરકાનૂની હોઈ શકે છે જ્યારે કોઈ રાજ્ય ઘટતા પ્રજનન દર સામે ઝઝૂમતું હોય ત્યારે વસ્તી રોકવા માટે બનાવવામાં આવેલી નીતિ ચાલુ રાખવાનો શું મતલબ છે? ત્રણ બાળકો હોવા સાધારણ બાબત બની ગઈ છે. આ નીતિની અસર હવે ખતમ થઈ ગઈ છે. તેને તુરંત પાછી ખેંચવી જોઈએ. ચૂંટણીમાં વિરોધીઓ ઘણીવાર આવી નીતિને જ હથિયાર બનાવી લેતા હોય છે. તેથી અદાલત આવી નીતિ અંગે ચિંતિત છે. 

Panchang

dd