• ગુરુવાર, 16 જુલાઈ, 2026

બન્નીના માલધારીઓની આશા બરકરાર : મીં તા વસધો જ...

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 15 : અષાઢ માસના આરંભ છતાં કચ્છમાં મેઘરાજા મન મૂકી મંડાણ નથી કરતા. વરસાદની ભરપૂર મોસમમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વા'તા વેગીલા વાયરાએ કચ્છી માડુના જીવ અદ્ધર કરી દીધા છે. નાના-મોટા સૌની મીટ નભ ભણી મંડાઇ છે. આવા સંજોગોમાં માલધારી મુલક બન્ની પણ બેહાલ છે. આ વચ્ચે પંથકના બુઝુર્ગ માલધારીઓ મે (ભેંસ)ના વિશિષ્ટ લક્ષણો પરથી મીંના એંધાણ ભાળી ઉમ્મીદ રાખી બેઠા છે. કચ્છમાં સારા વરસાદનાં શુકન માટે અનેક લોકવાયકાઓ અને પરંપરાઓ આજે પણ પ્રચલિત છે. અહીંનાં કેટલાક ધાર્મિક સ્થળોએ યોજાતા લોકમેળા પ્રસંગે ખાસ વિધિવિધાન સાથે વરસાદી આગમનનાં એંધાણ જોવામાં આવે છે, તો વળી અહીં અલગ-અલગ પશુઓ સાથે જીવન ગુજારો કરતા પશુપાલકો પણ અબોલા પશુઓની કેટલીક વિશિષ્ટ ચાલચલગત અને લક્ષણો પરથી મીંના શકન જુએ છે. હાલ કચ્છમાં વરસાદ ખેંચાયા પછી ખાસ કરીને માલધારી મુલક બન્નીમાં પશુઓ પર માઠી અસર થઇ છે. ઘાસચારાની સર્જાયેલી અછત વચ્ચે પશુધન બચાવવા રણ વચાળે ભારે દોડધામ મચી છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ પંથકના માલધારીઓ હતાશ નથી. પૂરા વિશ્વાસ સાથે કહે છે `મીં તા અચીંધો જ'. ભગાડિયાના બુઝુર્ગ માલધારી ઇશાભાઇ જત પોતાની પોણી સદીની જિંદગી ભેંસો સાથે વ્યતીત કરી છે. તેમના કહ્યા મુજબ પંથકની કુંઢી ભેંસ ભેંસના ઉત્પાદન માટે ભારે જાણીતી છે. સાથે તેની કેટલીક વિશિષ્ટતાઓ માટે પણ પ્રખ્યાત છે. કુદરતી આફત કે પ્રકોપનો અણસાર પશુઓ અગાઉથી જ ભાળી હરકતો કરે છે. તેમના કહેવા મુજબ વરસાદ આવે તે પહેલાં ભેંસમાં કેટલાક વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસથી આ પશુનાં શરીર પર ઇતળીનું પ્રમાણ વધવું, વધુ પ્રમાણમાં માખીઓથી પરેશાન બનવું, નિદ્રામાં બેસી વારંવાર બંને કાન ફફડાવવા, ઊઠી કરીને ઓથનો સહારો લેવા જેવા વર્તન સારા વરસાદના એંધાણ છે. જે હાલ બન્નીની ભેંસમાં ભરપૂર જોવા મળે છે, જેના પરથી પૂરા યકીન સાથે કહી શકાય કે, `થોડેં જ ડીંએ મેં મીં તા અચીંધો જ' તેવું આ માલધારી કહે છે. 

Panchang

dd