નવી દિલ્હી, તા. 15 : આઇસીસી
તરફથી વર્ષ 2027માં રમાનારા વન-ડે વર્લ્ડકપના
ફોર્મેટમાં મોટા ફેરફાર કરાયા છે, ઉપરાંત
ટી-20 વર્લ્ડકપના ફોર્મેટમાં પણ બદલાવ
કરાયો છે. તાજેતરમાં એડિનબર્ગમાં મળેલી આઇસીસીની એજીએમમાં આ નિયમોની ઘોષણા થઇ છે. આ
ફેરફારનો મુખ્ય ઉદ્દેશ ટૂર્નામેન્ટની પ્રારંભિક મેચોને વધુ રોમાંચક બનાવવાનો છે. વન-ડે
વર્લ્ડકપમાં હવે ત્રણ રાઉન્ડ હશે, જેમાં
સુપર સેવન પણ સામેલ છે. આઇસીસીએ ટી-20 ફોર્મેટના વિશ્વકપમાં પણ નવા નિયમનો લાગુ કરવાની મંજૂરી આપી
દીધી છે, જેમાં હવે પહેલીવાર સુપર-8 રાઉન્ડના બદલે સુપર-10 રાઉન્ડ રમાશે, જે દ્વારા અંતિમ-4 ટીમ નક્કી થશે. દ. આફ્રિકા, નામીબિયા અને ઝિમ્બાબ્વેની ધરતી પર 2027માં વન-ડે વર્લ્ડકપ આયોજિત
થવાનો છે, જેમાં 14 ટીમ ભાગ લેશે, પણ ટૂર્નામેન્ટનું ફોર્મેટ બદલાશે. હવે આ ટૂર્નામેન્ટ
ત્રણ રાઉન્ડમાં રમાશે. આથી પહેલી મેચથી જ સ્પર્ધા રોમાંચક બનશે તેવો આઇસીસીનો દાવો
છે. પહેલો રાઉન્ડ : સુપર સિરીઝ વર્લ્ડકપની શરૂઆતમાં આઇસીસી ક્રમાંકની 12મા, 13મા અને 14મા સ્થાન પરની ત્રણ ટીમ વચ્ચે રાઉન્ડ રોબિન સુપર સિરીઝ રમાશે.
આ ત્રણ ટીમમાંથી ટોચ પર રહેનારી એક ટીમ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે. બીજો રાઉન્ડ :
ગ્રુપ સ્ટેજ જેમાં 12 ટીમ હશે અને
તેને 6-6ના ગ્રુપમાં રાખવામાં આવશે, જેમાં બન્ને ગ્રુપની 3-3 ટીમ સીધી જ સુપર-7 રાઉન્ડમાં પ્રવેશ કરશે. આ સિવાય બન્ને ગ્રુપની
એક સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ થશે અને તેને સુપર-7 રાઉન્ડમાં જગ્યા મળશે. ત્રીજો રાઉન્ડ : સુપર-7 આ રાઉન્ડમાં પહોંચનાર 7 ટીમ એક-બીજા સામે એક-એક મેચ રમશે. જેમાંની
ટોચની 4 ટીમ સેમિફાઇનલમાં જગ્યા બનાવશે. પહેલા નંબરની
ટીમ ચોથા નંબરની ટીમ સામે પહેલી સેમિ અને બીજા-ત્રીજા
નંબરની ટીમ વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ રમાશે. સેમિની વિજેતા ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો
થશે. વર્લ્ડકપમાં જૂના ફોર્મેટમાં 14 ટીમને 7-7ના ગ્રુપમાં
રાખવામાં આવતી હતી, જેમાં ટોચની
3-3 ટીમ સુપર-6 રાઉન્ડમાં પહોંચતી અને ત્યાંથી સેમિફાઇનલનો
રસ્તો તૈયાર થતો હતો. - ટી-20 વર્લ્ડકપમાં ફેરફાર : દરમિયાન 2026ના પુરુષોના ટી-20 વર્લ્ડકપ આવૃત્તિમાં ઊભરતા
દેશોના પ્રદર્શનથી પ્રોત્સાહિત થઇ આઇસીસીએ 2028ના ટી-20 વિશ્વકપમાં
બીજા તબક્કાને આઠથી દસ ટીમો સુધી વિસ્તારવાનો નિર્ણય લીધો છે. શરૂઆતના ગ્રુપ સ્ટેજમાં
હવે ચાર ટીમોના પાંચ ગ્રુપ (કુલ 30 મેચ) હશે, જે અગાઉના ફોર્મેટમાં પાંચ ટીમોના ચાર ગ્રુપથી
અલગ છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો `સુપર-10' સ્ટેજમાં
જશે, જેમાં પાંચ ટીમોના બે ગ્રુપ હશે. નોકઆઉટ સ્ટેજમાં
એક મોટા ફેરફારમાં બે સુપર-10 ગ્રુપમાંથી ફક્ત ટોચની ટીમ જ સેમિફાઇનલ માટે સીધી કવોલિફાય થશે.
પોતપોતાના ગ્રુપમાં બીજા અને ત્રીજા ક્રમે રહેલી ટીમો બાકીની બે સેમિફાઇનલ સ્થાનો સુરક્ષિત
કરવા માટે ક્રોસઓવર `એલિમિનેટર'માં ટકરાશે.