નવી દિલ્હી, તા.14 : દેશમાં મોંઘવારીનો
`બેવડો ઘા' થયો છે. છૂટક મોંઘવારી બાદ આજે જથ્થાબંધ મોંઘવારી
પણ ધારણાથી વધારે વધી હતી. આજે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર જથ્થાબંધ
મોંઘવારી જૂનમાં જવધીને 9.87 ટકા થઈ હતી.
આ પહેલાં મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 9.68 ટકા હતી. જથ્થાબંધ મોંઘવારી વધવાની પાછળ સૌથી મોટું કારણ ખાદ્ય
પદાર્થોની કિંમતોમાં વધારો અને અનેક મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રમાં ભાવ વધ્યા હોવાનું છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે બહાર પાડવામાં આવેલા સત્તાવાર આંકડા દેશમાં
જથ્થાબંધ મોંઘવારી અંગે તમામ અર્થશાત્રીઓના અનુમાનોથી વધારે છે. એક એજન્સી દ્વારા કરવામાં
આવેલા સર્વેમાં જથ્થાબંધ મોંઘવારી 9.15 ટકા સુધી રહેવાનું અનુમાન વ્યક્ત
કરવામાં આવ્યું હતું. સરકારે જણાવ્યું હતું કે જથ્થાબંધ મોંધવારી વધવાની પાછળ મુખ્ય
રીતે ખાદ્ય પદાર્થો, ખનિજ તેલ,
રસાયણો અને રાસાયણિક ઉત્પાદનોના નિર્માણની વધતી પડતર કિંમત જવાબદાર છે.
સરકારી આંકડા અનુસાર ખાદ્ય સૂચકાંક જૂનમાં વધીને 6.14 ટકા થયો હતો જે મેમાં 4.49 ટકા હતો જે ખાદ્યપદાર્થોની
કિંમતમાં ભારે વધારો દર્શાવે છે. ખાદ્ય પદાર્થોની
કિંમતોમાં દર મહિને 3.75 ટકાનો વધારો
જોવા મળ્યો છે જ્યારે બિન ખાદ્ય પદાર્થની કિંમત 1.43 ટકા વધી છે.