• સોમવાર, 08 જૂન, 2026

અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં

નવી દિલ્હી, તા. 7 : અફઘાનિસ્તાન વચ્ચે મુલ્લાંપુરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે પકડ મજબૂત કરી છે. બીજા દિવસના અંતે ભારતના 564 રન (ચાર વિકેટે દાવ ડિકલેર) સામે અફઘાનિસ્તાનની પહેલી ઈનિંગ્સમાં 5 વિકેટે 113 રન થયા હતા. જેમાં રહમત શાહ 43 રને દાવમાં હતો. અફઘાનિસ્તાનની ટીમ હજી પણ 451 રનથી પાછળ છે. જ્યારે ભારત તરફથી પર્દાપણ કરનારા ખેલાડી માનવ સુથારે તરખાટ મચાવતા 3 વિકેટ લીધી હતી.  ભારત તરફથી કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલે સદી કરી હતી, જ્યારે પંત 81 રન કરીને આઉટ થયો હતો. મુકાબલામાં કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાનની પહેલી ઈનિંગ્સની શરૂઆત ખાસ રહી નહોતી. અબ્દુલ મલિક માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો. તેની વિકેટ ડેબ્યૂ કરનારા માનવ સુથારે લીધી હતી. ત્યારબાદ પ્રસિદ્ધ કૃષ્ણાએ સેદિકુલ્લાહ અટલને 17 રને આઉટ કર્યે હતો. જ્યારે સુથારે રહમાનુલ્લાહ ગુરબાઝને 12ના અંગત સ્કોરે પેવેલિયન મોકલી અફઘાનિસ્તાનને બેકફુટ ઉપર લાવ્યું હતું. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી લયમાં લાગી રહ્યો હતો, પણ પ્રસિદ્ધે તેને વધુ રન કરવા દીધા નહોતા. બાદમાં સ્ટમ્પના થોડા સમય પહેલા જ માનવ સુથારે અફસર જજઈને આઉટ કરીને અફઘાનિસ્તાનને પાંચમો ઝટકો આપ્યો હતો. હવે અફઘાન ટીમની આશા રહમત શાહ ઉપર છે. આ અગાઉ બીજા દિવસના પહેલા સેશનમા શુભમન ગિલ અને પંતે ઈનિંગ શરૂ કરી હતી. મોહમ્મદ સલીમ સફીએ શુભમનને આઉટ કરીને ભારતને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે 177 બોલનો સામનો કરીને 126 રન કર્યા હતા. શુભમન અને પંત વચ્ચે ચોથી વિકેટ માટે 169 રનની ભાગીદારી થઈ હતી. બાદમાં ધ્રુવ જુરેલ 19 રને આઉટ થયો હતો. પંત પાસે સદીની તક હતી પણ 121 બોલમાં 81 રને આઉટ થયો હતો. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદરે નોટઆઉટ 52 રન કર્યા હતા. જ્યારે માનવ સુથારે 28 અને સિરાજે 22 રનનું યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ સલીમ સફીએ સૌથી વધારે છ વિકેટ લીધી હતી.  

Panchang

dd