ગાંધીધામ, તા. 7 : ગાંધીધામના ચાવલા ચોકમાં કરોડો
રૂપિયાના રોડ સાથે નવું વરસાદી નાળું બનાવવામાં આવી રહ્યું છે તેની ગુણવત્તા સામે અને
સવાલો ઊભા થઈ રહ્યા છે નાળાંની દીવાલ ખોલતાની સાથે જ દીવાલમાં તિરાડો તેમજ ઉપરથી ગાબડાંઓ
પડયા હતા અને નબળી કામગીરી છતી થઈ હતી. વેપારીઓએ મહાનગરપાલિકામાં રજૂઆત કરતા એન્જિનીયર
સ્થળ ઉપર પહોંચ્યા હતા. ત્યાર પછી થીંગડા મારવાની કામગીરી શરૂ કરાવી હતી. કરોડો રૂપિયાનું
કામ છે તેમાં નબળી ગુણવત્તાનું કામ થતું હોવા છતાં મહાનગરપાલિકાનો એન્જિનીયારિંગ વિભાગ
કોઈ પગલાં ભરતો ન હોવાનું વેપારીઓએ આક્રોશ સાથે કહ્યું હતું. જાણી જોઈને નબળી કામગીરી
કરાવતા હોવાના ગંભીર આક્ષેપો પણ છે આરસીસી કામમાં પાણી છાંટવું મહત્ત્વનું છે, પરંતુ એન્જાનીયરોએ ઝડપથી કામ પૂરા કરવાનાં ચક્કરમાં
પાણી છાંટયા વગર માટીથી બુરાણ કરાવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટરોની
સાથે સાથે એન્જિનીયારિંગ વિભાગ ઉપર પણ પગલાં ભરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે.
હાલના સમયે થતી કામગીરી ચોમાસાં દરમિયાન મુસીબત બને તેવી સંભાવના છે. કરોડો રૂપિયાના
ખર્ચ પછી હલકી ગુણવત્તાનાં કામો થઈ રહ્યાં છે આ બાબતે વેપારીઓએ રજૂઆત કરી છે,
હવે કમિશનર દ્વારા પગલાં ભરવામાં આવે તેની રાહ જોવાઇ રહી છે.