• સોમવાર, 08 જૂન, 2026

સરકારને ઘેરવા વેરવિખેર વિપક્ષોની મથામણ

નવી દિલ્હી, તા. 7 : બંગાળમાં મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસની અને તામિલનાડુમાં દ્રમુકની હાર સહિતની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે મોદી સરકારને ઘેરવા માટે આવતી કાલે સોમવારે ઈન્ડિયા જોડાણની બેઠક યોજાશે. એક તરફ તૃણમૂલ કોંગ્રેસ, દ્રમુક જેવા જોડાણમાં મજબૂત મનાતા વિપક્ષો ચૂંટણી હારી ગયા છે, દ્રમુકે બેઠકનો બહિષ્કાર કર્યે છે અને આમ આદમી પાર્ટીએ  પણ પક્ષ ઈન્ડિયાનો ભાગ નથી તેવું આજે કહી દીધું હતું. એ જોતાં 23 વિપક્ષો સાથે મળીને વેરવિખેર વિપક્ષને એકજૂટ કરવાનો વ્યાયામ કરશે. આ બેઠક પહેલાં રવિવારે મમતા બેનર્જી  અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. તૃણમૂલના બે કટકા થઇ જવાની હદ સુધી વકરેલા આંતરિક વિદ્રોહ વચ્ચે મમતા  પર સૌની નજર છે. બીજી તરફ, સાંસદ સંજયસિંહે મોટું એલાન કરતાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી `ઈન્ડિયા' જોડાણનો ભાગ નથી. આ બેઠકમાં દેશના મુખ્ય વિપક્ષ  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) વતી સંજય રાઉત, એનસીપી (શરદ પવાર) વતી સુપ્રિયા સુલે સહિત 23 રાજકીય પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે.  જો કે, એમ.કે. સ્ટાલિનનું ડીએમકે, જે ઈન્ડિયા જોડાણ ભાગ હતું તે બેઠકમાં હાજરી આપશે નહીં. સૂત્રો સૂચવે છે કે, ડીએમકેએ હાલમાં બેઠકથી પોતાને દૂર રાખ્યા છે અને હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે.  કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ જયરામ રમેશે જણાવ્યું હતું કે, 23 રાજકીય પક્ષોએ ઈન્ડિયા જોડાણની બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક પક્ષો પોતાના કારણોસર આ ખાસ બેઠકમાં હાજરી આપી શકતા નથી, પરંતુ તેઓ મોદી સરકારની નીતિઓ અને પ્રથાઓનો પણ એટલો જ વિરોધ કરે છે. જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકારની નીતિઓ લાખો લોકોના મતદાન અધિકારોને અસર કરી રહી છે, બંધારણ પર સતત હુમલા થઈ રહ્યા છે અને વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં, ફુગાવો, બેરોજગારી અને આર્થિક પડકારોએ સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે, લાખો ભારતીયોની આજીવિકાને ગંભીર નુકસાન પહોંચાડયું છે, સતત ફુગાવાને કારણે ઘરના બજેટને ખોરવી નાખ્યું છે, લાખો યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓ સાથે દગો કર્યો છે અને રોકાણનું વાતાવરણ નબળું પાડયું છે. 

Panchang

dd