• સોમવાર, 08 જૂન, 2026

કચ્છની બેન્કો આ વર્ષે 242 અબજનું ધિરાણ આપશે

ભુજ, તા. 7 : નવા નાણાકીય વર્ષના પ્રારંભ સાથે નવા લક્ષ્યાંકોને પાર પાડવા માટેની કવાયતને વેગવાન બનાવી દેવામાં આવી છે. કચ્છ જિલ્લાની બેન્કો દ્વારા વર્ષ 2026-27ના નવા ધિરાણ પ્લાનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અધિક નિવાસી કલેકટર, ડીઆરડીએ નિયામક, આરબીઆઈ તેમજ બેન્કો તથા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં નવા ક્રેડિટ પ્લાનનું લોન્ચિંગ કરાયું હતું. 2025-26ના નાણાકીય વર્ષની તુલનાએ 33.10 ટકાના વધારા સાથે 2026-27ના નાણાકીય વર્ષમાં કચ્છની બેન્કો 242.18 અબજનું ધિરાણ આપશે તેવો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. દર વર્ષની જેમ આ નવા ધિરાણ લક્ષ્યાંક પ્લાનમાં 25.84 ટકા હિસ્સો કૃષિ ક્ષેત્રનો રખાયો છે. લઘુ, મધ્યમ ઉદ્યોગો અને માળખાંકીય સુવિધાના વિકાસને અગ્રતા આપતો દોર જળવાયેલો રખાયો છે. નિવાસી અધિક કલેકટર દ્વારા બેન્કોને તેમના લક્ષ્યાંકોની સાથે સરકારી યોજનાઓનો લાભ છેવાડાની વ્યક્તિ સુધી પહોંચે તે માટેના સૂચનો આપ્યાં હતાં. જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આયોજિત મિટિંગમાં કચ્છના નિવાસી અધિક કલેકટર ડી. પી. ચૌહાણ, ડીઆરડી નિયામક નિકુંજ પારેખ, લીડ ડિસ્ટ્રીકટ મેનેજર મિતેશ ગામિત તથા નવા નિયુક્ત લીડ ડિસ્ટ્રીકટ મેનેજર આલોક કુમાર, નાબાર્ડના અધિકારી નીરજકુમાર સિંઘ, આરબીઆઇના એલડીઓ સુશીલ શહાણે, આરએસઇટીઆઇ ડાયરેકટર પ્રતીક જોશી, ગુજરાત ગ્રામીણ બેન્કના રિજનલ મેનેજર રણજિતસિંઘ મીણા, નગરપાલિકા, વિવિધ સરકારી વિભાગ તથા જિલ્લાની તમામ બેન્કોના અધિકારીઓ હાજર રહ્યા હતા. 

Panchang

dd