• રવિવાર, 07 જૂન, 2026

ભારતનું નવી આર્થિક રણનીતિ પર મંથન

નવી દિલ્હી, તા. 6 : પશ્ચિમ એશિયામાં તાણ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને નવી ગતિ આપવાના આશય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમની આર્થિક સલાહકાર પરિષદના સભ્યો સાથે એક બેઠક યોજતાં અનેક મુદ્દાઓ પર મંથન કર્યું હતું. વડાપ્રધાન અને પરિષદના સભ્યોએ ઇઝ ઓફ લિવિંગ એટલે કે, જીવન સરળ બનાવવા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અર્થાત કારોબાર સરળ બનાવવા માટે જરૂરી વિવિધ સુધારા પર ચર્ચા કરી હતી. આવી ચર્ચાનો સીધો હેતુ વેપાર માટેનું વાતાવરણ સાનુકૂળ બનાવવાનો છે. ભારતમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે નવા ઉપાયો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરાઇ હતી. અર્થતંત્રને મજબૂત કરવા માત્ર નીતિઓ બનાવવી પૂરતી નથી, પરંતુ જમીની સ્તરે સુધાર જરૂરી છે, એ દૃષ્ટિકોણ સાથે બેઠકમાં સામાન્ય નાગરિકો અને વેપાર જગત માટે મહત્ત્વપૂર્ણ સુધારાઓ પર ભાર મુકાયો હતો. આર્થિક સ્થિરતા જાળવી રાખવા સાથે વિકાસની ગતિ વધારવાના ઉપાયો પર મંથન કરાયું હતું. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ચર્ચાયેલા ઉપાયોનો અમલ અસરકારક રીતે કરવા સંકલ્પ કરાયો હતો. બેઠક દરમ્યાન ભૂરાજકીય સંકટ પર પણ ગંભીરતાપૂર્વક ચર્ચા થઇ હતી. પરિષદના સભ્યોએ પશ્ચિમ એશિયાના સંઘર્ષની ભારત સહિત દુનિયા પર અસરોનું આકલન રજૂ કર્યું હતું. વડાપ્રધાન અને આર્થિક સલાહકાર પરિષદની આ બેઠક એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે, સરકાર વૈશ્વિક પડકારો સામે સંપૂર્ણપણે સતર્ક છે. પરિષદના સભ્યોએ આપેલું યુદ્ધની અસરોનું આકલન સરકારને ભવિષ્યના આર્થિક પડકારો સામે લડવામાં મદદરૂપ બનશે. વનને આસાન બનાવવા અને વિભિન્ન ક્ષેત્રમાં વેપાર-ધંધાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આવશ્યક સુધારાઓની ચર્ચા પણ કરી હતી. આમાં સામેલ લોકોએ પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવા, રોકાણ વધારવા અને આર્થિક ગતિવિધિને બહેતર બનાવવા માટે વિવિધ પદ્ધતિનો વિચાર પણ કર્યો હતો. મીટિંગમાં આ તમામ બાબતોની ચર્ચા ઉપરાંત બે મુખ્ય વાતો ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં પહેલું  આવનારી આવશ્યકતાને ધ્યાને રાખીને સરકાર પહેલાથી જ યોગ્ય નિયમ અને નીતિઓ ઘડી રાખે અને બીજું દેશનાં અર્થતંત્રને લાંબા સમય સુધી મજબૂત ટકાવી રાખવા માટે મોટા સુધારા કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.  વૈશ્વિક મંચ ઉપર પશ્ચિમ એશિયાનું સંકટ સૌથી મોટો મુદ્દો બનેલો છે. જેની અસર દુનિયાની અર્થ વ્યવસ્થા ઉપર પણ વિપરિત પડી રહી છે. બેઠક દરમિયાન ભૂરાજકીય સંકટની પણ ગંભીર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન અને પરિષદનાં સદસ્યોએ ભારત સહિત દુનિયામાં આનાં સંભવિત પ્રભાવોનું આકલન કર્યુ હતું. જે ભવિષ્યનાં પડકારોને પહોંચી વળવા માટે નીતિ ઘડવામાં મદદરૂપ પુરવાર થશે. 

Panchang

dd