• સોમવાર, 08 જૂન, 2026

સારા વર્ષની આશા સાથે કિસાનપુત્રો ખેતીલક્ષી કામોમાં પરોવાયા

વિથોણ (તા. નખત્રાણા), તા. 7 : નખત્રાણા પંથકમાં ખેડૂતોએ ખરીફ વાવેતરનાં મંડાણ કર્યાં છે. ગાડરી ઢળતાં વરસાદનો વર્તારો દેખાતાં ખેડૂતોએ મગફળી વાવેતરમાં કોરવાણ મૂકયા છે. ખેડૂતોને દર વર્ષે ખરે ટાંકણે ખાતરની તંગી વર્તાય છે, આ વર્ષે ખેડૂતોને ડીઝલ પણ માપી માપીને અપાય છે. 2026નું વર્ષ ખેડૂતો માટે લાખના બાર હજાર થાય તેવું વીતી રહ્યું છે. બાગાયતી પેદાશોમાં કેશર કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થવાથી ખેડૂતોની ધારણા ખોટી પડી છે. બીજી બાજુ મોંઘા બિયારણ, મોંઘું ડીઝલ, મોંઘું ખાતર અને મોંઘી મજૂરીએ ખેડૂતોનો બોજ વધારી દીધો છે. ઘણા ખેડૂતોને પાક ધિરાણ ભરવા ફાંફા મારવા પડે છે અને વાવેતર માટે રૂપિયા વ્યાજે લેવા પડે છે. અત્યારે પંથકમાં ચોમાસુ મગફળી વાવેતર માટે જમીનને પલાળવામાં આવે છે. કોરવાણ થયેલ જમીનને ચાર દિવસ પછી ખેડવામાં આવે છે. અને ભેજયુક્ત જમીનમાં ખાતરના પટ સાથે મગફળીના દાણાનું રોપણ કરવામાં આવે છે. કપાસના વાવેતર માટે પાળિયા તણાઇ ગયા છે. અનેક વાડીઓમાં કપાસનું આગોતરું વાવેતર પણ થઇ ગયું છે. આઠમાસી ગણાતો કપાસનો પાક હવામાન અનુકૂળ ન આવતાં ચાર માસમાં સુકાઇ જાય છે. પાછલા બે -ત્રણ વર્ષથી ખેતીની પેદાશો કુદરતી આફતનો ભોગ બની જવાથી ખેડૂતોને ફાયદાના બદલે નુકસાન થાય છે. અત્યારે ખેતી માટે મજૂરીકામની ભારે ખેંચ વર્તાય છે. ભાગીદારીવાળી ખેતીને બાદ કરતાં ખેડૂતો મજૂરીકામ માટે શ્રમિકોની મનમાની સહન કરે છે. ખેતી માટે મજૂરો હવે માત્ર અડધો દિવસ કામ કરે છે ને આખા દિવસનું મહેનતાણું માગે છે. 

Panchang

dd