ચંડીગઢ, તા. 6 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની
એકમાત્ર ટેસ્ટ મેચ શનિવારથી શરૂ થઈ હતી. બન્ને ટીમ વચ્ચે આ મુકાબલો મુલ્લાંપુર (ન્યૂ
ચંડીગઢ)ના મહારાજા યાદવીન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મુકાબલાનો
પહેલો દિવસ પૂરી રીતે ભારતનાં નામે રહ્યો હતો, જેમાં ભારતે દિવસના અંત સુધીમાં ત્રણ વિકેટે 368 રન કર્યા હતા. કેપ્ટન શુભમન
ગિલ 103 અને રિષભ પંત 50 રને નોટઆઉટ રહ્યા હતા. મેચમાં
કેએલ રાહુલે પણ સદી ફટકારી હતી. ભારત અને અફઘાનિસ્તાન બન્નેનો આ 2026નો પહેલો ટેસ્ટ મુકાબલો છે.
આ મેચ ડબલ્યુટીસીનો હિસ્સો ન હોવાનાં કારણે ઓગસ્ટમાં પ્રસ્તાવિત શ્રીલંકાના પ્રવાસ
માટે તૈયારીના રૂપમાં જોવાઈ રહી છે. ટેસ્ટના પહેલાં દિવસે ભારતીય ઇનિંગ્સની શરૂઆત સારી
રહી નહોતી અને જયસ્વાલ માત્ર 24 રન કરી શક્યો
હતો. બાદમાં કેએલ રાહુલ અને સાઈ સુદર્શને ટીમ સંભાળી હતી. બન્નેએ મળીને બીજી વિકેટ માટે 139 રનની ભાગીદારી કરી હતી. જો
કે, સાઈ સુદર્શન 81 રને આઉટ થયો હતો. સુદર્શન આઉટ
થયા બાદ રાહુલ અને ગિલે મળીને ઇનિંગ્સ આગળ વધારી હતી. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે
67 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન
કેએલ રાહુલે 11 ચોગ્ગાની મદદથી 165 બોલમાં 100 રન કર્યા હતા અને શરીફના દડામાં
કેચઆઉટ થયો હતો. રાહુલની વિકેટ બાદ રિષભ પંત અને
શુભમન ગિલ વચ્ચે ભાગીદારી થઈ હતી. બન્નેએ દિવસના અંત સુધીમાં ટીમને કોઈ નુકસાન
થવા દીધું નહોતું. આ દરમિયાન શુભમન ગિલે કારકિર્દીની 11મી ટેસ્ટ સદી કરી હતી. ગિલ 143 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી
103 રન કરીને નોટઆઉટ રહ્યો હતો, જ્યારે પંતે બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી
50 રન કરીને દાવમાં છે. અફઘાનિસ્તાન તરફથી સલીમ સફીએ બે વિકેટ લીધી હતી, જ્યારે જિયાઉર રહેમાનને એક વિકેટ મળી હતી. ભારતે
પંત ઉપરાંત ધ્રુવ જુરેલને પણ તક આપી હતી. માનવ સુથારે ટેસ્ટ પર્દાપણ કર્યું હતું.