• સોમવાર, 08 જૂન, 2026

મીઠીરોહર : ચોરી કે છળકપટથી મેળવાયેલા 16 લાખના કોલસા સાથે એક ઝડપાયો

ગાંધીધામ, તા. 7 : પૂર્વ કચ્છમાં છેલ્લા લાંબા સમયથી કોલસાની બિનઅધિકૃત પ્રવૃત્તિઓ અંગે કચ્છમિત્રના પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અહેવાલની ગંભીર નોંધ લઈને એલ.સી.બી.એ સપાટો બોલાવ્યો હતો. મીઠીરોહરમાં આવેલા એક ખુલ્લા વાડામાં છાપો મારીને પોલીસે ચોરી કે છળકપટથી મેળવાયેલા રૂા. 16,19,000ના 164.9 ટન કોલાસા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. મીઠીરોહર નજીક હારૂન અધા સોઢાના કબજા-ભોગવટાના ખુલ્લા વાડામાં અલગ-અલગ ટ્રકો, ટ્રેઈલરોનો મોટો જથ્થો છુપાવાયો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ અહીં પહોંચતા આ શખ્સ હારૂન સોઢા હાજર મળી આવ્યો હતો, તેની પાસે કોલસાના જથ્થા અંગે આધાર-પુરાવા મગાતાં તે આપી શક્યો નહોતો. દરમ્યાન તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલો આ શખ્સ તથા જિગરસિંહ વાઘેલા (રહે. ગાંધીધામ), અકબર હજામ (રહે. ગળપાદર), સંજય વર્મા (રહે. ગાંધીધામ) તથા કમલેશ ઉર્ફે કમો ડામોર નામના શખ્સો મળીને આ કૌભાંડ આચરતા હતા, પણ આ ચારેય શખ્સ હાથમાં આવ્યા નહોતા. આ વાડામાંથી પોલીસે રૂા. 16,19,000નો 164.9 ટન કોલસો, મોબાઈલ, બે લોડર એમ કુલ રૂા. 22,24,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા શખ્સને વાડાનું ભાડું માત્ર અપાતું હતું કે કેમ ? મુખ્ય સૂત્રધાર કોણ છે, કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું? કેટલા વાહનો વપરાયા? અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે? તે સહિતની વિગતો બહાર આવી નથી, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd