નવી દિલ્હી, તા. 16 : એશિયા કપ 2023ની ફાઇનલ આવતીકાલે 17 સપ્ટેમ્બરના ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના કેઆર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. મેચનું પ્રસારણ ભારતીય સમય અનુસાર બપોરે ત્રણ વાગ્યે થશે જ્યારે દર્શકો ડીઝની હોટસ્ટાર એપ અને ડીડી સ્પોર્ટ્સ ઉપર મેચ ફ્રીમાં જોઈ શકશે. ભારતને બંગલાદેશ સામે 15 સપ્ટેમ્બરની મેચમાં છ રને હાર મળી હતી જ્યારે શ્રીલંકાએ સુપર ફોર મેચમાં પાકિસ્તાનને બે વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેવામાં હવે 17 સપ્ટેમ્બરે ફાઇનલ મેચ રમાશે. આ મેચમાં વરસાદ પડશે તો 18મી સપ્ટેમ્બરના રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો રિઝર્વ ડેના પણ વરસાદથી મેચ ન રમાય તો બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. રોહિત શર્માની આગેવાનીની ભારતીય ટીમ કોલંબોમાં થનારી એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકા સામે પ્રબળ દાવેદાર છે. ટીમ ઇન્ડિયા પાંચ વર્ષથી મલ્ટિનેશનલ ટૂર્નામેન્ટ જીતી શકી નથી. તેવામાં એશિયા કપ જીતીને ટૂર્નામેન્ટના દુષ્કાળને પૂરો કરવા માગશે. અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો હોવાથી, તેની જગ્યાએ બેકઅપ તરીકે વોશિંગ્ટન સુંદરને બોલાવવામાં આવ્યો છે જ્યારે શ્રીલંકાનો મુખ્ય સ્પીનર મહીશ તીક્ષ્ણા પણ ઈજાનાં કારણે બહાર થયો છે. હવે ફાઇનલમાં રોહિત એન્ડ કંપની અને શનાકા એન્ડ કંપની એકબીજા સામે ટકરાશે ત્યારે હવામાનનો મિજાજ કેવો રહેશે તેના ઉપર દર્શકોની નજર છે. રવિવારે કોલંબોમાં વરસાદની સંભાવના છે. એક્યુવેધરના હેવાલ અનુસાર 17મીએ કોલંબોમાં વાદળ છવાયેલા રહેશે જ્યારે સવારે અને મેચ દરમિયાન વરસાદની પણ સંભાવના છે. જેમ જેમ મેચનો સમય આગળ વધશે તેમ તેમ વરસાદ ખલેલ પાડી શકે છે. કોલંબોમાં વરસાદની 90 ટકા શક્યતા છે. જો રવિવારે વરસાદના કારણે મેચ રદ થશે તો બાદમાં સોમવારે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. રિઝર્વ ડે પણ વરસાદમાં ધોવાશે તો ભારત અને શ્રીલંકા બન્નેને સંયુક્ત વિજેતા ઘોષિત કરી દેવામાં આવશે. એશિયા કપ (ટી20, વન ડે) ઈતિહાસમાં ભારતીય ટીમે સૌથી વધારે સાત વખત ખિતાબ પોતાનાં નામે કર્યો છે. ભારતે 1984, 1988, 1990-91, 1995, 2010, 2016 અને 2018માં ખિતાબ જીત્યો હતો જ્યારે બીજા નંબરે શ્રીલંકા છે. જેણે છ વખત એશિયા કપ ટ્રોફી નામે કરી છે. શ્રીલંકાની ટીમ 1986, 1997, 2004, 2008, 2014 અને 2022માં એશિયા કપ ખિતાબ જીતી ચૂકી છે જ્યારે 2000 અને 2012માં એશિયા કપ ટ્રોફી પાકિસ્તાનને મળી હતી. ભારતીય ટીમ આ વખતે 10મી વખત ફાઇનલ રમવા મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે નવમાંથી આઠ વખત શ્રીલંકા સામે ફાઇનલ અને બંગલાદેશ સામે એક વખત વન ડે એશિયા કપ ફાઇનલ મેચ રમી છે. ભારતે એશિયા કપની પહેલી ફાઇનલ 1984માં રમી હતી ત્યારે ટૂર્નામેન્ટ યુએઇમાં થઈ હતી. જેની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું. અંતિમ વખત ભારતે 2018માં ફાઇનલ રમી હતી જેમાં બંગલાદેશને હરાવીને ખિતાબ જીત્યો હતો.