• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

ભારત સામે ઓસ્ટ્રેલિયાનો આકરો પડકાર

નવી મુંબઇ, તા. 29 : ભાગ્યના સહારે સેમિ ફાઇનલમાં જગ્યા બનાવનાર ભારતીય ટીમ મહિલા વન ડે વિશ્વ કપની બીજી સેમિ ફાઇનલમાં આવતીકાલ ગુરુવારે વર્તમાન વિજેતા ઓસ્ટ્રેલિયા ટીમના કઠિન પડકારનો સામનો કરશે. ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની એકમાત્ર અપરાજિત ટીમ છે અને રમતના ત્રણેય વિભાગમાં અન્ય ટીમો કરતાં સતત ચડિયાતો દેખાવ કરી રહી છે. ભારતીય મહિલા ટીમે જો ખિતાબી જંગમાં પ્રવેશ કરવો હશે તો દબાણ હડસેલીને ત્રણેય મોરચે શાનદાર દેખાવ કરવો પડશે. ફાઇનલમાં ભારતને ઇન ફોર્મ ઓપનર પ્રતિકા રાવલની ખોટ પડશે. તે ઈજાને લીધે વિશ્વ કપની બહાર થઇ ચૂકી છે. તેના સ્થાને ભારતીય ટીમમાં શેફાલી વર્મા સામેલ થઇ છે. સેમિ ફાઇનલ મેચમાં વરસાદના વિઘ્નની સંભાવના છે. ઓસ્ટ્રેલિયાની નજર આઠમા વિશ્વ કપ ખિતાબ પર છે. તેની ચિંતા કપ્તાન એલિસા હિલીની ફિટનેસ સમસ્યા છે. જો કે તેણીએ અભ્યાસ સત્રમાં સામેલ થઇ સેમિ ફાઇનલનો હિસ્સો બનાવાનો સંકેત આપ્યો છે. જો સાત વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા મહિલા ટીમને હરમનપ્રિત કૌરની ટીમ હાર આપશે તો પહેલીવાર વિશ્વ વિજેતા બનાવાની ભારતની તક વધી જશે કારણ કે આથી ટીમનો આત્મવિશ્વાસ આભને આંબતો હશે. સ્મૃતિ મંધાના સહિતના ભારતીય ખેલાડીઓ પાસે ઓસ્ટ્રેલિયાને હાર આપવાનો સોનેરી મોકો છે. આ માટે તેમણે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. સ્મૃતિ મંધાના સાથે ભારતીય દાવનો પ્રારંભ લગભગ શેફાલી વર્મા કરશે. તે વિશ્વ કપની પ્રથમ મેચ રમશે. હરલીન દેઓલ પણ રેસમાં છે. રાધા યાદવ અને સ્નેહ રાણામાંથી ઇલેવનમાં એક સામેલ થશે. ભારતને તેની કપ્તાન હરમનપ્રિત કૌર પાસેથી યાદગાર ઇનિંગની આશા રહેશે.  તેણીએ 2017 વિશ્વ કપ સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 11પ દડામાં અણનમ 171 રનની ઇનિંગ રમી ભારતને જીત અપાવી હતી. 

Panchang

dd