• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

બુમ બુમ બુમરાહ : વિરલ વિકેટ વિક્રમ

મેલબોર્ન, તા.29: ભારતના વિશ્વ નંબર વન બોલર જસપ્રિત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટના ચોથા દિવસે ટ્રેવિસ હેડને આઉટ કરીને ટેસ્ટ કારકિર્દીની 200 વિકેટ પૂરી કરી હતી. બુમરાહે આ આંકડાને સ્પર્શ કરીને કીર્તિમાનોનો અંબાર લગાવી દીધો હતો. બુમરાહે આ ઉપલબ્ધિ 44મી ટેસ્ટમાં હાંસલ કરી હતી. આ મામલે તે એલેક બેડસર, રિચર્ડ હેડલી, જોએલ ગાર્નર, કાગિસો રબાડા અને પેટ કમિન્સ સાથે બરાબરી પર છે. આ બોલરોએ પણ 200 વિકેટ 44 ટેસ્ટમાં પૂરી કરી હતી. ખાસ વાત એ છે કે સૌથી સારી સરેરાશથી 200 વિકેટ લેનાર બોલરોમાં બુમરાહનું નામ પહેલાં સ્થાન પર છે. આ ઉપરાંત 4000થી ઓછા રનનો ખર્ચ કરી આ મુકામ પર પહોંચનારો બુમરાહ વિશ્વનો પહેલો બોલર છે. તેણે 19.પ6ની સરેરાશથી 200 વિકેટ લઈને જોએલ ગાર્નર, શેન પોલોક, મેલ્કમ માર્શલ, કર્ટલી એમ્બ્રોસ, જેમ્સ એન્ડરસન અને ગ્લેન મેકગ્રા જેવા દિગ્ગજ બોલરોને પાછળ છોડી દીધા છે. ટેસ્ટ ક્રિકેટમાં 20થી ઓછી સરેરાશથી 200 વિકેટ લેનારો બુમરાહ વિશ્વનો એકમાત્ર બોલર છે. બુમરાહે 3912 રન આપીને 200 વિકેટ લીધી છે. ગાર્નરે આ માટે 4067 રન અને પોલોકે 4077 રનનો ખર્ચ કર્યો હતો. બુમરાહે લગભગ દર 7 ઓવરે વિકેટ લીધી છે. આ હિસાબે તેનો સ્ટ્રાઇક રેટ 42.4 છે. આ મામલે તેનાથી આગળ ફકત વકાર યુનિસ, ડેલ સ્ટેન અને કાગિસો રબાડા આગળ છે. વકારે 772પ દડામાં, સ્ટેને 7848 દડામાં, રબાડાએ 81પ4 દડામાં અને બુમરાહે 8484 દડામાં 200 વિકેટ લીધી છે.  ભારત તરફથી તે સૌથી ઝડપે 200 વિકેટ પૂરો કરનારો ઝડપી બોલર છે. તે ભારત તરફથી સૌથી ઝડપી 200 વિકેટ લેનારો સંયુક્તરૂપે બીજો બોલર બન્યો છે. બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ 44 ટેસ્ટમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. અશ્વિન 37 ટેસ્ટમાં 200 વિકેટ સાથે ટોચ પર છે. અશ્વિન અને જાડેજા સ્પિન બોલર છે. બુમરાહ 200 વિકેટ લેનારો ભારતનો 12મો બોલર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd