• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ચેમ્પિયન્સ ટ્રોફી પર સસ્પેન્સ યથાવત્

નવી દિલ્હી, તા. 29 : આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાશે કે નહીં તેના પર આઇસીસીની આજે યોજાયેલી બેઠકમાં કોઇ નિર્ણય લેવાયો ન હતો. અહેવાલમાં અનુસાર આઇસીસીના સભ્ય દેશોની આજે  ફરી વર્ચ્યુઅલ બેઠક યોજાશે અને તેમાં ચેમ્પિયન્સ ટ્રોફીના પાકિસ્તાનમાં આયોજન પર આખરી નિર્ણય આવી શકે છે. આજે ભારત સરકાર પણ સ્પષ્ટ કરી ચૂકયું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને રાખીને પાકિસ્તાન પ્રવાસે નહીં જવાની બીસીસીઆઇને સૂચના આપી દીધી છે. જો કે બીસીસીઆઇ અગાઉ સાફ કરી ચૂકયું છે કે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન જશે નહીં. આઇસીસીની વર્ચ્યુઅલ બેઠકમાં 12 પૂર્ણ સદસ્ય બોર્ડના, 3 એસોસિએટ દેશના અધિકારી અને આઇસીસીના અધ્યક્ષે ભાગ લીધો હતો. આથી મતદાન માટે 16ની પૂરી સંખ્યા હતા. આમ છતાં બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન પર કોઇ નિર્ણય લેવાયો ન હતો. જે હવે શનિવારે લગભગ લેવાશે. આઇસીસી બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રોફી એશિયા કપની જેમ હાઇબ્રિડ મોડલ પર રમાડવાના સૂચન થયા હતા. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના હઠાગ્રહને લીધે કોઇ હલ નીકળ્યો ન હતો. પીસીબીએ ભારતીય ટીમના તમામ મેચ લાહોરમાં અયોજિત કરવાના અને મેચની સમાપ્તિ પછી વાઘા બોર્ડર મારફત અથવા વિમાન માર્ગે પરત ભારત ફરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જે પ્રસ્તાવનો ભારત ઇન્કાર કરી ચૂકયું છે. આથી પીસીબી હાઇબ્રિડ મોડલ નકારે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang