• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

ડી.જી.પી. કપમાં કચ્છ સરહદી રેન્જ ટીમ પાંચ સુવર્ણ સાથે ચેમ્પિયન

ગાંધીધામ, તા. 10 : રાજ્ય પોલીસ દ્વારા આયોજિત ડી.જી.પી. કપ-2024 અંતર્ગત એથ્લેટીક્સ સ્પર્ધામાં સરહદી રેન્જની ટીમ પાંચ સુવર્ણ ચંદ્રક જીતીને ચેમ્પિયન ઓફ ધી ટૂર્નામેન્ટ બની હતી. ડી.જી.પી. કપ 2024 માટે બોર્ડર રેન્જની એથ્લેટીક્સ ટીમની પસંદગી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાની આ સ્પર્ધા નડિયાદ ખાતે યોજાઇ હતી જેમાં રાજ્યની 16 ટીમે ભાગ લીધો હતો જેમાં કચ્છ સરહદી રેન્જની ટીમે પાંચ ગોલ્ડ, ત્રણ સિલ્વર, છ બ્રોન્ઝ સાથે કુલ 14 મેડલ જીતીને રાજ્યમાં ચેમ્પિયન ઓફ ધી ટૂર્નામેન્ટ જાહેર થઇ હતી. આ સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ પ્રદાન બદલ પૂર્વ કચ્છના એ.એસ.આઇ. કિંજલબેન એન. ખોખરીયાને બેસ્ટ એથ્લીટ એવોર્ડ એનાયત કરાયો હતો. કિંજલબેને 100 મીટર રનિંગ, ચક્રફેંક, 100 મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે ગાયત્રીબેન હરિલાલ તથા વનાભાઇ?રૂપાભાઇએ ગોળાફેંકમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. 100 મીટર રીલે દોડમાં જ્યોત્સનાબેન વેનાજી, ક્રિષ્નાબેન શાંતિલાલ, રમીલાબેન બાબુભાઇએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે મયૂરસિંહ રાયસિંઘએ 100 મીટર રનિંગમાં, ક્રિષ્નાબેન શાંતિલાલએ લાંબીકૂદ તથા વિજયકુમાર ધરમશીભાઇએ ચક્રફેંકમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો તેમજ ડાયાભાઇ રાજાભાઇ અને હેતલબેન હંસાજીએ ઊંચીકૂદ, પુરીબેન શામજીભાઈએ લાંબીકૂદ, ગાયત્રીબેન હરિલાલે ચક્રફેંક, ક્રિષ્નાબેને 200 મીટર રનિંગ અને કૌશિકકુમાર માલાભાઇએ બરછીફેંકમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. આ તમામ ખેલાડીઓને સરહદી રેન્જના વડા ચિરાગ કોરડિયા તથા પૂર્વ-પશ્ચિમ કચ્છના પોલીસવડા સાગર બાગમારએ શુભેચ્છાઓ પાઠવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang