• શનિવાર, 27 જુલાઈ, 2024

દર રવિવારે ક્ષત્રિય સમાજની દીકરી જૈન પાઠશાળા ભણાવશે

મુંદરા, તા. 6 : જૈન પાઠશાળા સમાઘોઘા ખાતે ક્ષત્રિય સમાજની દીકરી પાઠશાળા ભણાવશે. અજરામર સંપ્રદાયના આચાર્ય પ્રકાશચંદ્રજી સ્વામી આદિ ઠાણા-સાત સમાઘોઘામાં ઐતિહાસિક ચાતુર્માસ પૂર્ણ કર્યા બાદ આજે મુંદરા આવતાં ઉમંગથી જૈનાચાર્યનું સ્વાગત કરાયું હતું. મ.સા.એ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમારના આશાપુરા કન્ટેનર યાર્ડ ખાતે પગલાં કર્યાં હતાં. છ કોટિ જૈન સ્થાનક ખાતે માંગલિક સંભળાવતાં જણાવ્યું કે, સમાઘોઘામાં ઐતિહાસિક ચોમાસુ પૂર્ણ થઇ ગયું છે, પણ યાદ ભુલાતી નથી. જેમાં જૈન ઉપરાંત ક્ષત્રિય સમાજનું યોગદાન વિશેષ રહ્યું હતું. આજના વિહારમાં સમાઘોઘા, ભોરારા, મુંદરાના ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. ચાતુર્માસ દરમ્યાન મહત્ત્વની વાત કરતાં જણાવ્યું કે, ક્ષત્રિય સમાજની દીકરી પ્રગતિબા મહાવીરસિંહ જાડેજા, ખ્યાતિબા સહદેવસિંહ જાડેજાને ધાર્મિક સૂત્રો કંઠસ્થ થઇ જતાં દર રવિવારે જૈન પાઠશાળા ભણાવશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત ચાતુર્માસ દરમ્યાન રામાયણ, મહાભારત જેવા અનેક ધાર્મિક કાર્યક્રમનું મહત્ત્વ મ.સા.એ સરળ ભાષામાં સમજાવ્યું હતું. છ કોટિ જૈન સ્થાનક ખાતે જૈન સમાજના અગ્રણી ભોગીભાઇ મહેતા, કિશોરસિંહ પરમારે પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. તા. 8/12થી તા. 10/12 સુધી દરરોજ સવારે 9થી 10 દરમ્યાન વ્યાખ્યાન, બપોરે 3થી 4 ધાર્મિક પ્રશ્નોત્તરી, રાત્રે 8.30થી 9.30 વાગ્યે ધર્મચર્ચા સહિતના કાર્યક્રમો યોજાશે. સમાઘોઘાના ઉપસરપંચ મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અહીં જૈન પાઠશાળામાં 85 બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુંદરા પાંજરાપોળના પ્રમુખ નવીનભાઇ મહેતા, અશ્વિન મહેતા, મનીષ મોરબિયા સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ વિનોદ મહેતાની યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang