કપિલ જોશી અને મનોજ સોની દ્વારા : નલિયા,
તા. 5 : પ્રકાશના
મહાપર્વ દિવાળીને હવે ગણ્યાગાઠયા દિવસો બાકી રહ્યા છે, ત્યારે સરહદી અબડાસા તાલુકાના મુખ્ય વેપારી
મથકો નલિયા અને કોઠારાની બજારોમાં હજુ સુધી જોઈએ તેવી રોનક જોવા મળી રહી નથી. તાલુકામાં
ચાલુ વર્ષે નહિવત વરસાદ અને દુષ્કાળ જેવી અછતગ્રસ્ત પરિસ્થિતિના કારણે ખેતીના પાક નિષ્ફળ
જતાં ગ્રામીણ અર્થતંત્ર પર તેની સીધી અસર વર્તાઈ રહી છે. - રોકડ નાણાંની તંગી : અબડાસા તાલુકાનું
અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન અને ખેતીવાડી પર નિર્ભર છે. નલિયાના રેડીમેડ કાપડના વેપારી
રાજેશભાઈ મોતાના જણાવ્યા અનુસાર, તાલુકામાં
અપૂરતો વરસાદ પડતાં ખરીફ મોસમ નિષ્ફળ ગઈ છે - કોઠારામાં પણ એ જ સ્થિતિ : 50થી વધુ ગામના કેન્દ્ર સમા કોઠારામાં
બજારો તૈયાર, પણ ગ્રાહકો અદૃશ્ય. તાલુકાના
મહત્ત્વના વ્યાપારી મથક કોઠારામાં આસપાસના 50થી વધુ ગામના લોકો ખરીદી અર્થે ઊમટતા હોય છે. અહીંના વેપારીઓએ
દુકાનો સજાવી રાખી છે, પરંતુ ઘરાકી
હજુ શરૂ થઈ નથી. - મોબાઈલ માર્કેટ : મોબાઈલના વિતરક મીત ઠક્કરે જણાવ્યું હતું
કે, `અવનવી સ્કિમો
અને લોનની સગવડ આપવા છતાં ઘરાકી નહિવત છે. કી-પેડ મોબાઈલનું ચલણ ઘટયું છે અને સ્માર્ટફોનના
ભાવ આસમાને પહોંચતાં સામાન્ય વર્ગ ખરીદી ટાળી રહ્યો છે. - કાપડ અને સિલાઈ : ધંધાર્થી
વીરેન્દ્રસિંહ ધલ અને વિનોદભાઈ દરજીએ જણાવ્યું કે,
`ગયા વર્ષની સરખામણીએ આ વખતે ઘરાકીમાં 50 ટકા જેટલો મોટો ઘટાડો છે. કપાસના
પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોની ખરીદશક્તિ ઘટી છે. સિલાઈ કામ સાથે સંકળાયેલા હર્ષદભાઈ દરજીના
મતે, રેગ્યુલર કામ ચાલુ છે, પણ દર વર્ષે દિવાળી પર જે ધસારો રહેતો તે ઓછો છે, જેમાં
ઓનલાઇન ખરીદીનો પણ ફટકો પડયો છે. - ફટાકડા અને મીઠાઈ : ફટાકડાના વેપારી કિશોરભાઈ આમરે જણાવ્યું કે, ખેડૂત વર્ગ હાલ સિઝનલ કામોમાં રોકાયેલો હોવાથી
હજુ બજારમાં આવ્યો નથી, આખરી દિવસોમાં ઘરાકી વધવાની આશા છે. મીઠાઈના
વેપારી નીતિનભાઈ ઠક્કરે ઉમેર્યું કે, કારીગરો મીઠાઈ બનાવવામાં
વ્યસ્ત છે, હાલ સુસ્તી છે, પણ દર વર્ષની
જેમ મીઠાઈની ઘરાકી છેલ્લી ઘડીએ જોર પકડશે - મોંઘવારીનો માર : તેલ, ખાંડ અને કઠોળ
જેવી રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારા અંગે ચકુભા જાડેજાએ જણાવ્યું કે,
મોંઘવારીને લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને લોકો માત્ર જરૂરિયાત પૂરતી જ
ચીજો ખરીદી રહ્યા છે. સમગ્ર અબડાસા પંથકમાં હાલ કુદરતી માર અને મોંઘવારીના કારણે દિવાળીનો
ઉત્સાહ થોડો ફિક્કો પડયો છે. તેમ છતાં, પંથકની ગ્રામીણ પ્રજાની
પ્રકૃતિ મુજબ છેલ્લી ઘડીએ ખરીદીનો ધમધમાટ શરૂ થશે અને વેપારીઓનાં મુખ પર સ્મિત પાછું
ફરશે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે.