• શનિવાર, 07 નવેમ્બર, 2026

કબડ્ડી ચેમ્પિયન સભાઇબેનનું મુંદરામાં અદાણી હાઉસ ખાતે સન્માન

મુંદરા તા. 5 : કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયન સભાઈબેન ગઢવીનું અદાણી હાઉસ ખાતે સન્માન કરાયું હતું. માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામની દીકરી સભાઈબેન વાછિયાભાઈ ગઢવીએ કબડ્ડીના ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરી છે. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતી સભાઈબેને ગામની પ્રાથમિક શાળાનાં મેદાનથી પોતાની રમતગમતની સફર શરૂ કરી હતી. સ્થાનિક સ્તરથી લઈને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં અનેક સિદ્ધિઓ મેળવ્યા બાદ તેમણે ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં સ્થાન મેળવ્યું. વર્ષ 2026માં અમદાવાદ ખાતે યોજાયેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરીને તેમણે ટીમને ગોલ્ડ મેડલમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ સ્પર્ધામાં બેસ્ટ ડિફેન્ડર તરીકે પણ તેમની પસંદગી થઈ હતી. આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ આજે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે અદાણી હાઉસ ખાતે સભાઈબેનનું સન્માન કરી તેમની સિદ્ધિને બિરદાવી હતી. આ પ્રસંગે સભાઈબેનના પિતા વાછિયાભાઈ ગઢવી, દાદા મૂરજીભાઈ ગઢવી, તેમના ભાઈઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાછિયાભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, પોતાની દીકરીની ક્ષમતા અને રમત પ્રત્યેના લગાવ, એની કાબેલિયતને ઓળખીને તેમણે સભાઈબેનને રમતગમતનાં ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન અને સહયોગ આપવાનો નિર્ણય કર્યો હતો. દીકરીની પ્રતિભા પર વિશ્વાસ રાખીને તેને કારકિર્દી ઘડવાની તક આપવી જોઈએ, એ જ વિચાર સાથે તેમણે સતત સાથ આપ્યો. આ પ્રસંગે રક્ષિત શાહે સભાઈબેનની સિદ્ધિની સરાહના કરતાં જણાવ્યું હતું કે, મોટા ભાડિયા ગામની આ દીકરીએ પોતાની મહેનત અને પ્રતિભાના બળે કચ્છનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું છે, જે સમગ્ર કચ્છ માટે ગૌરવની બાબત છે. સમાજની અન્ય દીકરીઓએ પણ તેમની પાસેથી પ્રેરણા લેવી જોઇએ. તેમણે સભાઈબેનને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે ભવિષ્યમાં પણ દરેક રીતે મદદરૂપ થવાની તૈયારી દર્શાવી હતી. સભાઈબેન ગઢવીએ અન્ય દીકરીઓને પ્રેરણાદાયી સંદેશમાં જણાવ્યું હતું કે, `બધી જ છોકરીઓએ મહેનત કરવી જોઈએ. પરિણામ જે આવે તેનાથી હાર માનવી જોઈએ નહીં. સતત પ્રયત્ન અને મહેનત ક્યારેય નિષ્ફળ જતાં નથી, મહેનત રંગ લાવશે જ.' 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd