ક્રૂડ સસ્તું થવા સાથે યુદ્ધના અંતની આશાથી સેન્સેક્સમાં બે
હજારની તેજી : રોકાણકારોની સંપત્તિમાં આઠ લાખ કરોડનો વધારો : મુંબઇ, તા. 5 : ભારતીય શેરબજારમાં ગુરુવારે ધનતેરસથી પહેલાં દિવાળી ઊજવાઇ હતી.
ડી-સ્ટ્રીટમાં ઉત્સાહભરી તેજીની આતશબાજી થઇ હોય તેમ સેન્સેક્સમાં બે હજારથી વધુ 2009 આંકનો ઉછાળો આવ્યો હતો, તો નિફટીમાં પણ 576 આંકનો વધારો નોંધાયો હતો. અમેરિકી
મધ્યસત્ર ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષના પરાજયના પડઘારૂપે ક્રૂડ તેલની કિંમત ઘટવા
સાથે પશ્ચિમ એશિયામાં સંઘર્ષની બળવત્તર બનેલી આશાથી બજારમાં તહેવારો વચ્ચે તેજીનો સંચાર
થયો હતો. આ તેજીની અસરરૂપે રોકાણકારોની સંપત્તિ આઠ લાખ કરોડના ઉછાળા સાથે 500 લાખ કરોડને પાર પહોંચી ગઇ હતી.
શેરબજારમાં સળંગ છઠ્ઠા દિવસે તેજી આવી છે.
ચાલુ વર્ષ દરમ્યાન આ સેન્સેક્સનો બીજો મોટો ઉછાળો છે. આઠમી એપ્રિલના સેન્સેક્સમાં 2946 આંકનો વધારો આવ્યો હતો. આમ, 30 શેરના આધારભૂત
આંકમાં સાત મહિના બાદ આટલી મોટી તેજી આવી છે. ધનતેરસના એક દિવસ પહેલાં વાક્ બારસના
દિવસે 2009 આંક એટલે કે 2.60 ટકા વધીને સેન્સેક્સ 79,310 પર બંધ થયો હતો. બીજી તરફ નિફટી
576 આંક અર્થાત 2.40 ટકાની તેજી સાથે 24,537ના સ્તર પર બંધ થયો હતો. ચોથી સપ્ટેમ્બર બાદ નિફટીએ પહેલીવાર
24 હજારનો આંકડો પાર કર્યો હતો.
મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પના પક્ષની હાર થયા
બાદ ઇરાન યુદ્ધના અંતની આશા વધી છે. યુદ્ધ રોકાતાં કારોબાર સરળ બનશે તેવી આશા સાથે
રોકાણકારો ફરી શેરબજાર તરફ વળ્યા છે. બજારમાં ચોમેર જોવા મળેલી ખરીદી વચ્ચે બંને મુખ્ય
ઇન્ડેક્સમાં લગાતાર છઠ્ઠા કારોબારી સત્રમાં તેજી જોવા મળી હતી. છેલ્લાં છ કારોબારી
સત્રો દરમ્યાન સેન્સેક્સમાં કુલ્લ 5754 આંકનો ઉછાળો નોંધાયો છે. એ જ રીતે નિફટીમાં આ સમયગાળા દરમ્યાન
1881 આંકની તેજી આવી ચૂકી છે. ક્રૂડ
તેલની કિંમતોમાં ઘટાડો આવતાં રોકાણકારોનો ભરોસો મજબૂત બન્યો છે. એ સિવાય વિદેશી સંસ્થાગત
રોકાણકારો તરફથી પણ ભારતીય શેરબજારમાં ઉત્સાહભર્યો રોકાણનો પ્રવાહ જોવા મળ્યો. અમેરિકી
મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામોના પડઘારૂપે વૈશ્વિક બજારમાં જોરદાર તેજીની સકારાત્મક અસર
ભારતીય શેરબજારમાં પણ જોવા મળી છે. વૈશ્વિક બજારો તરફથી મળેલા મજબૂત સંકેતો અને વિદેશી
રોકાણકારોની વધેલી ખરીદીએ ઘરેલુ બજારને ઊંચે જવામાં મદદ કરી છે. બજાર બંધ રહી ત્યારે
લિસ્ટેડ છે તેવા લગભગ 133 શેરોમાં બાવન
સપ્તાહની ટોચની તેજી જોવા મળી હતી. એ સિવાય 2994 શેર મોટા ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા. ડોલર નબળો પડવાની
આશા સામે પણ વિદેશી રોકાણકારો ભારતની બજાર તરફ વળ્યા હતા. છ દિવસમાં બજારમાં આઠ ટકા
ઉછાળો આવ્યો છે. - તહેવારોમાં તેજી : સોનાંમાં
2200, ચાંદીમાં 3500નો ઉછાળો : ભુજ, તા. 5 : સોનાંમાં ડોલર અને અમેરિકન બોન્ડ યીલ્ડની ચાલ અને ચાંદીમાં ઔદ્યોગિક
માંગ અને રોકાણકારોની ખરીદીએ ઉછાળો આગળ વધ્યો હતો. સોનાંમાં દસ ગ્રામે રૂા. 2200નો મોટો વધારો નોંધાયો હતો.
ડોલર ઈન્ડેક્સમાં ઘટાડાથી સોનાં-ચાંદીમાં ખરીદી વધી હતી, તો ક્રૂડ ઓઈલમાં મોટો ઘટાડો થતાં મોંઘવારી અને
અને વ્યાજદર વધવાની ચિંતા હળવી થઈ છે, આ મુદ્દા પણ ભાવ વધારા
માટે મુખ્ય પરિબળ બન્યા હતા. સ્થાનિક બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં વધુ રૂા. 2200નો ઉછાળો થઈ 1,48,500 ભાવ રહ્યા હતા, તો ચાંદી ચોરસા એક કિલોના ભાવોમાં રૂા. 3500 વધી 1,92,000ના ભાવ રહ્યા હતા. દરમ્યાન
દિલ્હીમાં પણ સોનું પ્રતિ દસ ગ્રામ રૂા. 2200 વધીને રૂા. 1,48,800 પર પહોંચ્યું હતું, તો ચાંદીની કિંમત રૂા. 1500 વધીને રૂા. 1,94,500 થઇ હતી. વૈશ્વિક સ્તરે સોનાંનો ભાવ 65.12 એટલે કે લગભગ બે ટકા વધીને
4125.25 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.