રાપર, તા. 5 : ઘરના આંગણે દીકરાનો અવાજ સંભળાય
અને દરવાજે ઊભેલો દીકરો `મા, હું આવી ગયો' એવું કહે
એવી આશા સાથે છેલ્લા ચાર મહિનાથી એક પરિવાર દિવસો પસાર કરી રહ્યો છે. દિવાળીના તહેવારો
આવે છે પરંતુ પરિવારની આંખો દરવાજે જ મંડાયેલી છે. કાળજાનાં કટકા સમાન દીકરાની કોઈ
ભાળ ન મળતાં માતા-પિતાની વેદના દિવસેને દિવસે વધી રહી છે. ચાર મહિનાથી રહસ્યમય રીતે
ગુમ થયેલા રાપર નગરપાલિકાના યુવાન સફાઈ કામદારને શોધી કાઢવા પરિવાર હવે પોલીસ સહિત
વિવિધ કચેરીઓના દ્વાર ખખડાવી રહ્યો છે. રાપર નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા
30 વર્ષીય વિશાલ સંજયભાઈ મકવાણા
ગત તા. 9ના આદિપુર જવા નીકળ્યા બાદ આદિપુર પહોંચ્યા
ન હતાં. બે દિવસ સુધી કોઈ પત્તો ન લાગતા ચિંતાતુર પવિવારે ગુમ નોંધ કરાવી હતી. પોલીસ
દ્વારા રાપર બસ સ્ટેશન તથા આસપાસનાં વિસ્તારોના સીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસવામાં
આવ્યાં હતાં, પરંતુ વિશાલ અંગે કોઈ કડી
મળી નહોતી. પોલીસ દ્વારા તેના પિતાને પુત્રને કોઈ દેવું હતું કે કોઈની સાથે દુશ્મનાવટ
અથવા પ્રેમપ્રકરણ જેવી બાબત હતી કે કેમ તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે પરિવારે
આવી કોઈ બાબત હોવાનો ઇન્કાર કર્યો હતો. આમ, કોઈ સ્પષ્ટ કારણ કે
સંકેત વિના યુવાન ચાર મહિનાથી ક્યાં અને કઈ પરિસ્થિતિમાં છે તે રહસ્ય હજુ અકબંધ છે. એક તરફ પુત્રની શોધમાં માતા-પિતા અને પરિવારજનોની
રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે, તો બીજી તરફ દિવાળીના તહેવારો પણ તેમના
માટે ખુશીના બદલે આંસુ અને વેદનાના દિવસો બની રહ્યા છે. જ્યાં લોકો પરિવાર સાથે તહેવારની
ઉજવણી કરી રહ્યા છે, ત્યાં આ પરિવારનો દરેક સભ્ય વિશાલની વાટ
જોઈ રહ્યો છે. દીકરો હેમખેમ પાછો મળી જાય તે આશાએ પરિવાર પોલીસ અને વિવિધ સરકારી કચેરીઓમાં
રજૂઆતો કરી રહ્યો છે. ચાર મહિનાથી ફરજ પર હાજર
ન થતાં રાપર નગરપાલિકા દ્વારા પણ વિશાલને કારણદર્શક નોટિસ આપવામાં આવી હોવાનું નગરપાલિકાના
મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
દરમિયાન વિશાલના પિતા સંજયભાઈ મકવાણાએ આંખોમાં આંસુ સાથે જણાવ્યું હતું કે,
પોલીસ અધિકારીઓ ખૂબ જ સારી રીતે કાઉન્સાલિંગ કરી રહ્યા છે અને જરૂર જણાય
ત્યાં સહકાર પણ આપી રહ્યા છે. પોલીસ દ્વારા તમારો દીકરો જલ્દીથી પરત ઘરે આવી જશે તેવો
સધિયારો આપવામાં આવ્યો છે. હવે પરિવારને માત્ર
એક જ આશા છે કે ચાર મહિનાથી ગુમ થયેલો વિશાલ હેમખેમ મળી આવે અને ઘરમાં ફરી એકવાર ખુશીઓ
પાછી ફરે. માતા-પિતાની આંખો આજે પણ દીકરાની રાહ જોઈ રહી છે. તો પિયરમાં પત્ની અને પુત્ર
પણ પપ્પા જલદી આવી જાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.