• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

ડિઝાઇન, શુદ્ધતા અને પારદર્શિતા : આભૂષણના વેપારની મુખ્ય શરત

શાંતિલાલ સોની : દિવાળીના દિવસોમાં સોના-ચાંદીના દાગીના ખરીદવા એ માત્ર પરંપરા નથી, પણ રોકાણ અવસર સાચવવાનો અને લાગણીનું પ્રતીક છે. બદલાતા સમય સાથે ગ્રાહકોની પસંદગી પણ બદલાઈ છે. હવે ગ્રાહક માત્ર આકર્ષક ડિઝાઇન જોઈને નથી ખરીદતો, તે ગુણવત્તા, શુદ્ધતા અને પારદર્શિતા ચકાસે છે .ગ્રાહક હવે ભાવની વધઘટ વચ્ચે જાગૃત બની ગયો છે.  હવે, સોનાની સાથે સાથે  ખાસ કરીને ચાંદી પ્રત્યે લોકોની અભીરૂચિ સારી રીતે વધી છે. થોડાં વર્ષો પહેલાં સુધી ચાંદી માત્ર પૂજા-પાઠ, સિક્કા કે પાયલ પૂરતી સીમિત હતી, પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. ચાંદી હવે પ્રીમિયર ગિફ્ટિંગનો વિકલ્પ બની છે. કોર્પોરેટ ગિફ્ટ, દિવાળી ગિફ્ટ હેમ્પર, બાળકોના જન્મથી માંડીને લગ્ન સુધીના પ્રસંગોમાં ચાંદીની મૂર્તિઓ, વાસણો, જ્વેલરી બોક્સ અને ડિઝાઇનર ચાંદીના દાગીનાની માંગ વધી છે. તેનું કારણ છે ચાંદીનો પરંપરાગત સ્પર્શ સાથે આધુનિક લૂક,એમ અત્રેના અગ્રણી જ્વેલર્સ દ્વારા જણાવાયું હતું.જો કે, લોકો સોનાને માત્ર એક દાગીના  તરીકે જ નથી મૂલવતા, પરંતુ શાન, શૌકત સાથે એક ધરપત પણ છે કે ગમે તેવા કપરા સંજોગોને અતિક્રમી જવાશે સાથે માંગલિક પ્રસંગો પણ સચવાઈ જશે. એ સમજીને લોકો સોનુ ખરીદે છે. હા, એ ચોક્કસ છે કે, ભાવની અનિશ્ચિતતા અને વધારાએ ગ્રાહકને ઓછા  વજનના દાગીના તરફ આકર્ષ્યા છે, પણ ગુણવત્તા તો સચવાઈ રહેવી જોઈએ એ બાબતે પણ ગ્રાહક જાગૃત છે. આ જાગરૂકતા પાછળ સૌથી મોટું કારણ ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક અને યુ-ટ્યુબ પર જ્વેલરીના ફોટા, હોલમાર્કિંગ, ઇઈંજ કેરેટ, માકિંગ ચાર્જની (ઘડામણ) માહિતી ગ્રાહકો સહેલાઈથી જોઈ શકે છે. ગ્રાહક હવે જાગૃત થયો છે, તે પ્રશ્ન પૂછે છે. સોનું કેટલા કેરેટનું છે, ચાંદી 999 છે કે 925, બિલ પર વજન અને મજૂરી સ્પષ્ટ છે કે નહીં. - વેપારીઓ પણ હવે ગ્રાહક સાથે તાલ મિલાવતા થયા છે : જો કે, એક વાસ્તવિકતા એ પણ છે કે, ડિજિટલ માધ્યમ હજુ દુકાન કે શો-રૂમનો વિકલ્પ નથી બન્યો. દાગીનો એ જોવા, સ્પર્શ કરવા અને પહેરીને અનુભવવાની વસ્તુ છે. ફોટામાં ચમકતો દાગીનો હાથમાં કેવો લાગશે, તેનું વજન, તેની ફિનાશિંગ આ બધું દુકાનમાં જ ખબર પડે છે. તેથી ગ્રાહક ઓનલાઇન જુએ છે, પણ ખરીદી માટે વિશ્વાસ તો બજાર પર જ આવે છે. આ વિશ્વાસનો પાયો છે ગુણવત્તા અને પારદર્શિતા. આજના ગ્રાહકને ડિસ્કાઉન્ટ કરતાં ભરોસો વધુ વહાલો છે. બિલમાં સ્પષ્ટતા, હોલમાર્ક યુનિક ઈંઉ, યોગ્ય વળતર પોલિસી અને ખરીદી પછીની સેવા એ જ સાચી મૂડી છે.  અંતે એક વાત નક્કી છે, માત્ર દાગીનાથી નહીં, સેવાથી સંબંધ બને છે. દિવાળીની ખરીદી એક વખતની નથી, તે પેઢીઓનો સંબંધ છે. અને આ સંબંધ ત્યારે જ ટકે, જ્યારે ડિઝાઇન સાથે શુદ્ધતા અને વ્યવહારમાં પારદર્શિતા હોય. કારણ કે, આભૂષણોનો સંબંધ ભાવનાઓ, પરંપરા અને પારિવારિક અવસરો ઉપર પણ નિર્ભર છે. દાગીના તો પેઢીઓ સુધી પરિવારની વિરાસતનો એક ભાગ પણ બની રહ્યો છે. જો કે, આજે હવે વેપારીઓ માનતા થયા છે કે, આગામી સમયમાં બ્રાન્ડ ગ્રાહકો વચ્ચે મજબૂત ઓળખ બનશે, જે બદલાતી પસંદગી સાથે પોતાની ગુણવત્તા અને પ્રતિબદ્ધતા સાથે સમજૂતી નહીં કરી એ હકીકત છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd