મોહાલી, તા. 5 : ભારતીય મેન્સ હોકી ટીમે મોહાલીના
ઓલિમ્પિયન બલબીર સિંહ સિનિયર સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં જાપાનને 4-1થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ
ટ્રોફીનો ખિતાબ જીતી લીધો છે. આ ઐતિહાસિક જીત સાથે ભારતે સતત ત્રીજી વાર ચેમ્પિયન બનીને
ખિતાબી હેટ્રિક પૂર્ણ કરી છે, જ્યારે
એકંદરે રેકોર્ડ છઠ્ઠી વખત ટ્રોફી જીતવાની સિદ્ધિ નોંધાવી છે. હરમનપ્રીત સિંહની આગેવાની
હેઠળ મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમને ચોથી મિનિટે જ આંચકો લાગ્યો હતો. જાપાનના કાઝુમાસા
માત્સુમોતોએ ગોલ ફટકારી ટીમને 1-0ની સરસાઈ અપાવી દીધી હતી. જોકે, ભારતે વળતો પ્રહાર શરૂ કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં
42મી મિનિટે શિલાનંદ લાકડાએ ક્લોઝ-રેન્જથી
ગોલ ફટકારી સ્કોર 1-1થી બરાબર
કર્યો હતો. ત્યારબાદ અંતિમ ક્વાર્ટરમાં 49મી મિનિટે હાર્દિક સિંહના સચોટ પાસ પર દિલપ્રીત સિંહે ફિનાશિંગ
સાથે ભારતને 2-1થી લીડ અપાવી હતી. આ પછી 53મી મિનિટે પેનલ્ટી કોર્નર પર જુગરાજ સિંહે
પાવરફુલ ડ્રેગ-ફ્લિક વડે ગોલ કરી સ્કોર 3-1 કર્યો હતો. જાપાન હજુ સંભાળે તે પહેલાં જ 54મી મિનિટે વિવેક સાગર પ્રસાદે હાફ-વોલી
શોટથી ચોથો ગોલ ફટકારી વિજય નિશ્ચિત કરી લીધો હતો.