ગાંધીધામ, તા. 27 : કંડલા-ગાંધીધામ અને સમગ્ર કચ્છના
સર્વાંગી વિકાસ કરવાની નેમ સાથે કંડલા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના
પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. કંડલા ચેમ્બરની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં
પ્રમુખ તરીકે અગ્રણી ઉદ્યોગપતિ દિનેશ ગુપ્તા, ઉપપ્રમુખ તરીકે મહાદેવ રાજાણી, મંત્રી તરીકે જિતેન્દ્ર
સી. જૈન શેઠિયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે મયંક સિંઘવી અને ખજાનચી
તરીકે જિગર પટેલની નિમણૂક આગામી વર્ષ 2026-27 માટે કરવામાં આવી હતી. ચેમ્બરના નવનિયુક્ત પ્રથમ પ્રમુખ દિનેશ
ગુપ્તાએ કંડલા-ગાંધીધામ અને કચ્છના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહેવાનો કોલ આપ્યો
હતો. તેમણે જણાવ્યું હતું કે, કંડલા
પોર્ટ અને મુંદરા પોર્ટને કેન્દ્ર સરકાર દ્વારા મેગા પોર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભવિષ્યમાં પણ અનેક પ્રકલ્પો કરનાર અને મુંદરા સહિત કચ્છમાં આવશે, ત્યારે કચ્છના મોટા અને નાના સૌ વેપારીઓના પ્રશ્નો માટે કંડલા ચેમ્બર સરકાર
અને ઉદ્યોગ વચ્ચે સેતુરૂપ બની કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ નવા સંગઠનમાં
સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટ, શાપિંગ, ટેન્ક
ફાર્મ, સોલ્ટ, ઉદ્યોગો તેમજ વિવિધ ક્ષેત્રના વેપારીઓ, પ્રતિનિધિઓ સભ્યો તરીકે જોડાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.