મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 27 : ગુજરાત સરકાર દ્વારા છેલ્લા
કેટલાક વર્ષથી યોજાતા ખેલમહાકુંભને લીધે ઘણી પ્રતિભાઓને આગળ વધવાનું એક સારું પ્લેટફોર્મ
મળ્યું છે એ હકીકત છે, પણ મોટા મોટા
આંકડાઓ અને દેખાડાની સરકાર અને તંત્રોની નીતિરીતિને લીધે આવાં આયોજનોને થોડી ઝાંખપ
પણ લાગતી હોય છે. આ વખતે પણ કંઈક એવો તાલ જોવા મળી રહ્યો છે અને એકલા કચ્છમાં જ કુલ
221901 ખેલાડીની નોંધણી બતાવવામા આવી
રહી છે, જ્યારે રાજ્યમાં તો આ આંકડો અધધધ 76 લાખથી વધુનો છે. જાણકારો કહે
છે કે, સ્વભાવિક રીતે જ રજિસ્ટ્રેશન વધુ બતાવવાનો ખેલ
થઈ રહ્યો છે અને વાસ્તવિક રીતે તો મેદાનમાં આનાથી અડધા ખેલાડીઓ રમતા જોવા મળશે. રજિસ્ટ્રેશનનો
દોર પૂરો થયા બાદ શરૂ થઈ જશે એવું કહેવાય છે. માહિતગાર વર્તુળોએ કરેલા આક્ષેપ મુજબ
દર વખતની જેમ આ વખતે પણ ખેલકુભમાં વધુ ખેલાડીઓનો આંકડો બતાવવા કવાયત કરાઈ છે અને ખાસ તો ઈનસ્કૂલોના ટ્રેનરોને જે તે શાળાઓમાં
જઈ વધુ નોંધણીની જવાબદારી સોંપાઈ હતી. અમુક
કિસ્સાઓમાં તો ટ્રેનરોએ સ્કૂલોમાં જઈને આખેઆખા
શાળા રજિસ્ટર જ લઈ લીધાં હતાં અને પછી પોતાને આપેલા ટાર્ગેટ મુજબ વિદ્યાર્થીઓનાં રજિસ્ટ્રેશન
કરી લીધાં હતાં. લગભગ 2પ જેટલા ટ્રેનર પૈકી ઘણાને આ રીતનો ટાસ્ક
અપાયો હતો. તેમને રોજનાં 1પ00 રજિસ્ટ્રેશનનો લક્ષ્યાંક અપાયો
હતો. 1પ00 નહીં તો એકાદ હજાર પણ નોંધણી થઈ હોઈ શકે અને અમુક કિસ્સામાં
તો સાવ ખોટાં જ નામો પણ નોંધી નાખવામાં આવ્યાં છે. એટલે કે જેમનું કોઈ અસ્તિત્વ નથી
એવાં નામો પણ રજિસ્ટર થયાં છે. જો કે, દરેક શાળામાં આ રીતે નોંધણી થઈ નથી. - ઓછા સમયને લીધે પ્રતિભાઓને
ન્યાય મળતો નથી : સૂત્રોએ વધુંમાં કહ્યું હતું કે, ખેલકુંભમાં દરેક સ્પર્ધા માટે બહુ ઓછો સમય ફાળવવામાં
આવે છે અને મેચો રમાડવામાં બહુ અરાજકતા જેવો માહોલ સર્જાય છે. દબાણ કરી કરીને વધુ ટીમો
બોલાવવામાં આવતી હોય છે. કબડ્ડીની વાત કરીએ, તો બહુ મોટી સંખ્યામાં
ટીમો હોય. ભાઈઓની મેચ 40 મિનિટની અને
બહેનોની મેચ 30 મિનિટની હોય, પણ એક કે બે દિવસમાં બધી મેચો પૂરી કરવાની હોય
એટલે મેદાન ઉપર પાંચ જ મિનિટમાં એક મેચ પૂરી કરી નાખવી પડતી હોય છે. એક બે પોઈન્ટથી
ટીમો હારતી હોય અને ઘણીવાર સારા ખેલાડીઓને કે ટીમને અન્યાય થઈ જતો હોય છે. ફૂટબોલની
એક મેચ કમ સે કમ 90 મિનિટની હોય
છે, પણ ચાલીસેક ટીમ હોય અને એક બે દિવસમા જ મેચો
પૂરી કરી નાખવાનો કાર્યક્રમ હોય, ત્યારે થોડી મિનિટમાં તો મેચ
પૂરી કરી નાખવી પડતી હોય છે. એક રીતે જોઈએ, તો આખું આયોજન સાચા હેતુથી નહીં, પણ જાણે
વેઠ ઉતારવા માટેનું હોય તેવો તાલ સર્જાય છે. સૂત્રો વધુમાં કહે છે કે, સ્પર્ધાઓ રમાઈ જાય, પણ પછી ઈનામો અને પ્રમાણપત્રો માટે ખેલાડીઓએ બહુ લાંબો સમય સુધી રાહ જોવી પડતી હોય
છે. ભૂતકાળમાં અનેકવાર એવું બન્યું છે કે, બબ્બે વર્ષ સુધી ઈનામો
અને પ્રમાણપત્રો મળ્યાં ન હોય. આ સંદર્ભમાં ખેલમહાકુંભ સમિતિના સભ્ય સચિવ એવા જિલ્લા
રમતગમત અધિકારી મુકેશ ઘોયાનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા, પણ કચ્છમાં જેમની ગેરહાજરીના આક્ષેપો ઊઠી ચૂક્યા છે તેવા મુકેશભાઈનો ફોન વધુ
એઁકવાર નો રિપ્લાય આવ્યો હતો. જો કે, તેમણે મોડેથી મેસેજીસના
જવાબ આપ્યા હતા. જિલ્લા રમત વિકાસ અધિકારી જ્યોતિ ઠાકુરને પૂછતાં તેમણે કહ્યું હતું
કે, દરેક શાળાઓ અને ખેલાડીઓ ઉસ્સાહથી રજિસ્ટ્રેશન કરાવતા હોય
છે, પણ ઘણીવાર એવું બનતું હોય છે કે, પછી
સ્પર્ધાઓ વખતે ખેલાડીઓ કે ટીમો પૈકી ઘણા રમવા પહોંચતા નથી એટલે નોંધણી કરતાં વાસ્તવમાં
રમતા ખેલાડીઓની સંખ્યા ઓછી જણાતી હોય છે. દરમ્યાન માહિતગાર સૂત્રોએ કહ્યું હતું કે,
કચ્છમાં ગ્રામ્ય કક્ષાએ ખેલકુંભની સ્પર્ધાઓ 28મી સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે તાલુકા કક્ષાની સ્પર્ધાઓ મોટે ભાગે પાંચથી
12 ઓક્ટોબર સુધી રમાશે. - ગ્રામ કક્ષાની
રમતો યોજાતી નથી ! તાલુકા કક્ષાની ક્યારે
? : ખેલમહાકુંભ હેઠળ સામાન્ય રીતે ગ્રામ્ય કક્ષાની
સ્પર્ધાઓ 23મી સપ્ટેમ્બરથી રમાડવાની હતી. કેટલાક જિલ્લાઓમાં
આ પ્રકારનું આયોજન થયું હતું, પણ કચ્છમાં
રમતો યોજાઇ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષાથી યોજાતી નથી. એ ઉપરાંત મોટા ભાગના
જિલ્લાઓમાં તાલુકા કક્ષાની સ્પર્ધાઓ 26 અને 28 સપ્ટેમ્બરથી
શરૂ થઇ રહી છે, પણ કચ્છમાં વિલંબ થાય તેવી
વકી છે. જિલ્લા રમત અધિકારીની કચેરી દ્વારા 25 સપ્ટેમ્બરની રાત સુધી કોઇ પરિપત્ર જારી કરાયો નથી. ખેલકુંભના
પોર્ટલ 32 જિલ્લા-મનપાનો પરિપત્ર અપલોડ
થઇ ગયો છે પણ કચ્છનો કોઇ સર્ક્યુલર નોંધાયો નથી. ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજાતી નથી
તો તેની ગ્રાન્ટનું શું ? મુકેશ ઘોયાએ
જણાવ્યું કે તેની ગ્રાન્ટની જોગવાઈ નથી, બાકી તાલુકા કક્ષાની
રમતનું શિડયુલ હજી થયું નથી.