આપણે ત્યાં કહેવત છે કે, `પાણી અને વાણી વિચારીને વાપરો.', પરંતુ જ્યારે પાણીનો બગાડ થતો હોય ત્યારે તેને
અટકાવવાનું સાહસ અને સૂઝબૂઝ જૂજ લોકોમાં જોવા મળે છે. સામાન્ય રીતે જેમનાં કામની નોંધ
લેવાતી નથી, તેવા પ્લમ્બર વર્ગે પોતાની કૌશલ્ય શક્તિથી માત્ર
રોજીરોટી જ નથી મેળવી, પણ નિ:સ્વાર્થ ભાવે લાખો લિટર પાણી બચાવીને
સાચા `જળ સાક્ષર' તરીકેની ભૂમિકા ભજવી છે. ભુજના આવા જ અનુભવી
પ્લમ્બરોના અનુભવો જળ સંરક્ષણની એક નવી દિશા દર્શાવે છે. - કારાઘોઘામાં
લાખો લિટર પાણી વહી જતું અટકાવ્યું : છેલ્લા 25 વર્ષથી પ્લમ્બિંગ
ક્ષેત્રે બહાદુરાસિંહ કાર્યરત છે. પાંચ મહિના અગાઉ કારાઘોઘા ગામમાં પાણીની મુખ્ય લાઈનમાં
મોટું લીકેજ થયું હતું. સંબધિત તંત્રને જાણ કરીએ,
એ આવે ત્યાં સુધીમાં તો લાખો લિટર પાણી વેડફાઈ જાય, તો અમારા કૌશલ્યનો ઉપયોગ શું? જો નજર સમક્ષ બરબાદ થઇ
રહેલાં પાણીને ન બચાવી શકીએ તો. એટલે બહાદુરાસિંહજીએ વિલંબ કર્યા વગર પોતાના સાથી કામદારો
સાથે મળીને હંગામી ધોરણે લાઈનનું રિપેરિંગ કર્યું અને ગામનું હજારો લિટર પાણી બગાડ
થતું અટકાવ્યું. એ ગામના રહેવાસીઓ નામજોગ બાપુને ઓળખે છે કે, તે વ્યવહારુ કારીગર છે. આવા તો અનેક કિસ્સાઓ હશે કે, જેમાં બહાદુરાસિંહે નાની - મોટી ભૂમિકા ભજવી પાણીનો વેડફાટ અટકાવ્યો છે. તેમણે
શાળામાં વરસાદી પાણી સંગ્રહનું કામ કર્યું છે, અનેક નાના-મોટા
મંદિરોમાં પાણીના નિ:શુલ્ક કનેક્શન કરી આપ્યાં છે. - અબોલ પશુઓની
તરસ અને જળ બચાવનો સમન્વય : છેલ્લા 15 વર્ષથી પ્લમ્બિંગ સેવા આપતા
સ્મિતભાઈ રાજગોર શહેરી વિસ્તારોમાં થતા પાણીના બગાડ પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે. તેમણે
અરિહંત નગર, વાલદાસ નગર, જૂની રાવલવાડી વિસ્તારના હવાડાઓમાં બોલ વાલ્વ નાખી લાખો લિટર પાણીને વેડફાતું
રોક્યું છે. પશુઓને પીવા માટે પાણી મળી રહે એટલે હવાડાની વ્યવસ્થા ઠેરઠેર કરવામાં આવી
છે અને ત્યાં નગરપાલિકાની પાણીની સીધી લાઈનનું જોડાણ હોવાથી હવાડો છલકાય ત્યારે અનેકગણા
પાણીનો બગાડ થતો હોય છે. બોલવાલ્વ એક એવી સ્વચાલિત મિકેનિકલ વ્યવસ્થા છે, જેમાં હવાડામાં પાણીનું સ્તર ભરાઈ જતાં જ તરત બોલ ઉપર આવે છે અને પાઈપના વાલ્વને
આપોઆપ બંધ કરી દે છે. સ્મિતભાઈ બોલ્યા, `આવા કિસ્સામાં કોઈ પણ પ્લમ્બર હોય પોતાની રીતે બોલવાલ્વ નાખી
જ દેતા હોય છે અને આ તમે કોઈ પણ પ્લમ્બરને પૂછશો તો આ કિસ્સો તો સાંભળી જ શકશો' આ સિવાય, જો જાહેર લાઈનમાં
પશુઓના પગ વાગવાથી પાઈપ તૂટવાનો ભય હોય તો સ્મિતભાઈએ ત્યાં સિમેન્ટ - કોંક્રિટના મજબૂત
પિલર બનાવ્યા છે. - જળ સાક્ષરે બનાવી `લીક પ્રૂફ શેરી' : પ્રદીપભાઈ છેલ્લા બે દાયકાથી આ વ્યવસાય
સાથે જોડાયેલા છે. તેમણે વ્યાવસાયિક કામની શરૂઆત પહેલાં જ `લીક પ્રૂફ શેરી'નો વિચાર મૂર્તિમંત કર્યો હતો. આરટીઓ વિસ્તારમાં
રહેતા પ્રદીપભાઈ કહે છે અમે જ્યારે અહીં રહેવા આવ્યા ત્યારે નક્કી કર્યું હતું કે,
સૌ પહેલાં તો મારી આખી શેરી પાણીના લીકેજથી મુક્ત હોય. જે આજ સુધી મૂક
અભિયાન ચાલી રહ્યો છે. હું ખાતરી રાખું છું કે, મારી શેરીમાં
જેટલા પણ ઘરો છે એ બધામાં પાણીની ટાંકી ન છલે, કોઈ લાઈન તૂટેલી
ન હોય અને આસપાસનાં બાંધકામ વિકાસથી સાર્વજનિક લાઈનમાં ભંગાણ પડયું હોય, તો તાત્કાલિક નગરપાલિકાને જાણ કરીએ છીએ. પ્રદીપભાઈ બોલ્યા કે, અહીં કોઈ પ્રસિદ્ધિની વાત નથી, પરંતુ કુનેહપૂર્વકની વિચારધારા
છે કે, તમે પાણીનું મહત્ત્વ સમજતા હોવ, તો પાણીનો વેડફાટ કોઈ દિવસ સહન નહીં કરી શકો. કુટુંબમાં પણ અનેકવાર એવું થયું
છે કે, વાર-તહેવારે ગયો હોઉં અને નળ લીક થાય છે, પાણીની લાઈન તૂટી ગઈ છે જેવા નાનામોટા સાંધા તો મેં એમ જ કરી આપ્યા છે. સાઈટ પર કામ ચાલતું હોય અને આસપાસ કોઈ સાર્વજનિક
પાણીની લાઈન લીક કે બ્રેક હોય, તો ફરિયાદ કરવાને બદલે રિપેર કર્યું
છે. - ભૂતકાળ બની
ગયેલા જળસ્ત્રોતને પુનર્જીવિત કરવાનો પ્રયાસ : છેલ્લા 28 વર્ષથી આ વ્યવસાયમાં સક્રિય
કિરીટભાઈની વિચારધારા જળસંચય પ્રત્યે જાગરૂકતા દર્શાવે છે. ભુજના જૂના સ્વામિનારાયણ
મંદિર પાસે જૂનો કૂવો હતો, જેમાં પોતાની
સૂઝબૂઝથી જૂના પાઈપ વાટે વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરી હતી કે જેથી પાલર પાણી
સંગ્રહી શકાય. પોતાનો રહેવાસ નથી, કૂવાનાં પાણીનો એને ઉપયોગ કરવો
નથી, છતાં પોતાની સાઈટ પર કામ કરતી વખતે નજર પડી કે અવાવરુ કૂવો
સૂકાયેલો પડ્યો છે એના કરતાં પાઈપ ગોઠવીએ જેથી કૂવામાં સંગ્રહિત પાણી લોકભોગ્ય બને.
દુર્ભાગ્યવશ 2001ના ભૂકંપ
બાદ એ કૂવો પુરાઈ ગયો, પરંતુ એ કૂવા
સાથે જોડાયેલી પરમાર્થની ભાવના આજે પણ કિરીટભાઈના માનસપટ પર જીવંત છે. નવા ટાઉનપ્લાનિંગમાં
અનેક નદી-નાળાં કે પરંપરાગત જળસ્ત્રોતો ભૂમિગત થઈ ગયા તેનો તેમને અફસોસ છે.