• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

વરસામેડીમાં પત્નીની નજર સામે પતિનાં મોતથી અરેરાટી

ગાંધીધામ/ભુજ, તા. 24 : અંજારના વરસામેડીમાં એરપોર્ટ રોડ ઉપર માર્ગમાં ખાડાનાં કારણે બાઇક સવાર દંપતી નીચે  પટકાયું હતું. બાદમાં પાછળથી આવતું ટેન્કર રાકેશ બલીરામ પંડાગરે નામના યુવાન પરથી ફરી વળતાં તેણે દમ તોડયો હતો. બીજી બાજુ આદિપુરમાં રામીબેન દયારામ તેજવાણી (ઉ.વ.71)એ એસિડ પી લઇ છેલ્લા શ્વાસ લીધા હતા. મુંદરા તાલુકાના શિરાચામાં પાણીના ખાડામાં ડૂબવાથી 41 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવી સુરેન્દ્ર ઉતીન ભુઇયાનું મોત નીપજ્યું હતું. વરસામેડી ઇન્ડિયા કોલોનીમાં રહી અને વેલસ્પન કંપનીમાં કામ કરનાર દંપતી એવા જયશ્રીબેન તથા તેના પતિ રાકેશને ગત તા. 23/9ના બપોરના અરસામાં અકસ્માત નડયો હતો. શાંતિધામમાં બુધવારે બજાર ભરાતી હોવાથી બંને બાઇક નંબર જી.જે.-12- ઇ.એમ.-1625 પર સવાર થઇને પોતાના ક્વાર્ટરથી શાંતિધામ આવી રહ્યા હતા તે એરપોર્ટ પર નાઇન્થ એવેન્યુ સોસાયટી પાસે પહોંચ્યા હતા. જ્યારે માર્ગમાં ખાડાના કારણે બાઇક ચાલકે કાબૂ ગુમાવતાં બંને  નીચે પટકાયા હતા. દરમ્યાન પાછળથી આવતું ટેન્કર નંબર જી.જે.-12-એ.ટી.-8549 આ યુવાન પરથી ફરી વળતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે  ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેની પત્નીએ ટેન્કરચાલક સામે ગુનો દર્જ કરાવ્યો હતો. વધુ એક બનાવ આદિપુરમાં ધોરાજી ડેરો 4-બીમાં બન્યો હતો. સિંધુવર્ષા સોસાયટીમાં રહેનાર રામીબેન અહીં આવ્યા હતા અને અગમ્ય કારણોસર એસિડ પી જતાં તેમને સારવાર અર્થે લઇ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મુંદરાના શિરાચામાં એસ.વી.ટી. કોલોનીમાં રહેતો મૂળ ઝારખંડનો શ્રમિક સુરેન્દ્ર ભુઇયા ગત તા. 21/9થી 23/9 દરમ્યાન કોઇપણ સમયે તેની જ કોલોનીની બાજુમાં આવેલા પાણીના ખાડામાં કોઇ કારણે ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે ગઇકાલે મુંદરા પોલીસ મથકે વિગતો જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd