ભુજ, તા. 24 : રાજ્યમાં એકમાત્ર સરહદી કચ્છ
જિલ્લાના હજારો ખેડૂત માપણી વધારાના પ્રશ્ને દાયકાઓથી હાલાકી વેઠી રહ્યા છે. જિલ્લાના
લોકપ્રતિનિધિઓ, ખેડૂત આગેવાનોની રજૂઆત
અને રાજ્યના મુખ્યમંત્રીનો આ મુદ્દે સકારાત્મક અભિગમ છતાં આ પ્રશ્ન ઉકેલાતો નથી. જમીન
રિ-સર્વેની પ્રક્રિયા બાદ ઊભા થયેલા માપણી વધારા અને ઘટાડાનો જટિલ પ્રશ્ન ઉકેલવા માટે
ગુજરાત સરકાર સંવેદનશીલ અભિગમ અપનાવી આ પચીદા પ્રશ્નનો ઉકેલ લાવે એવી લાગણી વ્યક્ત
થઇ રહી છે. સમગ્ર રાજ્યમાં માત્ર કચ્છ જિલ્લાના પાંચ તાલુકામાં જ માપણી વધારાનો મુદ્દો વણઉકેલાયેલો રહ્યો
છે, જે પાછળ વહીવટી ચૂક જ કારણભૂત છે. કચ્છ ના બાકીના પાંચ તાલુકા
આ પ્રશ્નથી મુક્ત છે. કચ્છ જિલ્લાના કુલ 10 તાલુકામાંથી ભુજ, ભચાઉ, અંજાર, રાપર અને ગાંધીધામ એમ પાંચ તાલુકામાં જ જમીન માપણી વધારાનો પ્રશ્ન ઉપસ્થિત
થયો છે. - વહીવટી વિસંગતતાનો
ભોગ બન્યા ખેડૂતો : કચ્છમાં જમીન
ધારણા અધિનિયમની કલમ-111 હેઠળ પાંચ
તાલુકામાં બે વખત અને બાકીના પાંચ તાલુકાઓમાં એક વખત પ્રમોલગેશનની કામગીરી કરવામાં
આવી હતી. આ વહીવટી અને તકનીકી સમસ્યાના કારણે કચ્છના હજારો ખેડૂતની મુશ્કેલીમાં વધારો
થયો છે. કચ્છમાં 1958ના જૂના સર્વે
નંબર અને ખરડા મુજબ જે માપ તૈયાર થયા હતા, તે ખેતીની ઉપજના અંદાજ અને તદ્દન અવૈજ્ઞાનિક હતા. 1972થી 1976 દરમિયાન વૈજ્ઞાનિક
પદ્ધતિથી નવી માપણી કરીને નવા સર્વે નંબરના રેકર્ડ તૈયાર કરાયા, જેમાં હકીકતમાં ખેડૂતોની જેટલી જમીન ખેડાતી
હતી અને જે કબજો હતો તે મુજબ માપણી નોંધવામાં આવી હતી. આ માપણી દરમિયાન પાંચ તાલુકામાં
ખેડૂતોના પ્રત્યક્ષ કબજા મુજબ માપણી કરીને રેકર્ડ અમલી કરયો ત્યાં ક્ષેત્રફળની ગણતરીમાં
કોઈ પ્રશ્ન ઊભો ન થયો, પરંતુ અન્ય પાંચ તાલુકામાં માપણી કરતી
વખતે જૂની જમીનનું ક્ષેત્રફળ અને નવા ક્ષેત્રફળના હિસ્સાઓ વચ્ચે ગંભીર વિસંગતતા સર્જાતાં
માપણી વધારાની આ જટિલતા ઊભી થઇ છે. આ વહીવટી ક્ષતિના કારણે જમીનમાં આવેલી વ્યાજબી વધઘટને
પણ માપણી વધારા તરીકે ગણતરીમાં લેવામાં આવી રહી છે, જેના લીધે
ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. - ઠરાવનો પૂર્ણ અમલ થયો જ નહીં : રાજ્ય સરકારે 1977ની સાલમાં જે ઠરાવ કર્યો તેનું
પૂર્ણ અમલીકરણ ન થતાં કચ્છના પાંચ તાલુકામાં આ વહીવટી ગૂંચ માપણી વધારાને લઈ સર્જાઈ
છે. આ ક્ષતિ સાથે સંકળાયેલા જાણકારોનું માનીએ, તો જે તે સમયે જો આ ઠરાવનું યોગ્ય રીતે અમલીકરણ થયું હોત, તો આ પ્રશ્ન ઉદ્ભવ્યો જ ન હોત. તાલ એવો સર્જાયો છે કે, કેટલાક ખેડૂતોએ 10 પટની રકમભરી
દીધી હોવા છતાં માપણી વધારો નિયમિત કરવા નવેસરથી દરખાસ્ત કરી નવેસરથી પૈસા ભરવા પડયા, આમ એક જ કિસ્સામાં બે વખત રકમ ભરવાનો વારો આવ્યો
છે. સબંધિત પ્રશ્ન અદ્ધરતાલ રેહવા પાછળ અનેક કારણોને જાણકારો જવાબદારરૂપ ગણાવી રહ્યા
છે. વધુમાં માપણી વધરાના કેસો કલેક્ટરની સૂચના અનુસાર નિયમિત રીતે ચલાવવા જણાવાયું
હોવા છતાં કાર્યવાહી યોગ્ય રીતે થતી ન હોવાનો
ગણગણાટ આવી રહ્યો છે. - ખેડૂતોનાં હિતમાં નિર્ણય લેવો
જરૂરી : 7મી મેના 1977ના ઠરાવનું અમલીકરણ ન થતાં
પ્રશ્ન ઉદ્ભવ્યો છે, ત્યારે હવે
ખેડૂતોનાં હિતમાં ગામવાર પત્રક તૈયાર કરી અરજી લીધા વિના કિંમત વસૂલ્યા વગર ઠરાવનો
યોગ્ય અમલ કરવો જોઈએ, જે શરતમાં જેટલો માપણી વધારો હોય, તે નિયમિત થવો જોઈએ.
ખેડૂતનાં હિતમાં આ નિર્ણય લેવો અતિ જરૂરી બની ગયો છે.