નવી દિલ્હી, તા. 24 : દેશભરમાં
બીજી ઓક્ટોબરના દિવસે વેપારીઓ યુપીઆઈ દ્વારા પૈસા નહીં સ્વીકારે. દેશભરના વેપારીઓએ
ગાંધી જયંતીએ `નો યુપીઆઈ ડે' ઊજવવાનું એલાન કર્યું છે. વેપારી સંગઠનોએ વિરોધ
પ્રદર્શનનું એલાન કરવા સાથે ચેતવણી આપી હતી કે, જો સરકાર આ ફેંસલો
પાછો નહીં ખેંચે તો આંદોલન વધુ તેજ બનાવશે વેપારી સંગઠનો એ દિવસે 15 ઓક્ટોબરથી બે હજાર રૂપિયાથી
વધુના વ્યવહારો પર લાગુ થનારા 0.4 ટકા ચાર્જના
વિરોધમાં પ્રદર્શન કરશે. વેપારી સમુદાય આ ચાર્જને હટાવી દેવાની માંગ એકી અવાજે કરી
રહ્યો છે. વેપારીઓ ક્યુઆર કોડ, સ્કેનર,
સાઉન્ડ બોક્સ જેવા ડિજિટલ ચૂકવણાંના ઉપકરણોને કાળા કપડાંથી ઢાંકીને વિરોધ
નોંધાવશે. વેપારી સંગઠનોએ કહ્યું હતું કે, ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહિત
કરવાની પ્રવૃત્તિની સજા મળી રહી છે. ઓલ ઈન્ડિયા
કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશન (એઆઈસીપીડીએફ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ
ધૈર્યશીલ પાટિલે કહ્યું હતું કે, છૂટક વેપારીઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સ
નફાના ખુબ ઓછા ગાળા પર કામ કરી રહ્યા છે. ડિજિટલ વ્યવહાર પર વધારાનો ચાર્જ નાખવાથી
વેપારનો ખર્ચ વધશે. ડિજિટલ ચૂકવણાનો હેતુ પ્રક્રિયાને સરળ બનાવવાનો હોવો જોઈએ.