રાપર, તા. 24 : શૈક્ષણિક સંસ્થા નીલપર-સોનટેકરી
સ્થિત સુશીલ શિશુ શાળામાં આચાર્ય દ્વારા સગીરા વિદ્યાર્થિની સાથે થયેલ દુષ્કર્મ બાબતે
વાગડમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આ મામલે આવેદન પાઠવાયા છે. દરમ્યાન સંસ્થા દ્વારા પોલીસને
અપાયેલી અરજી ભેદભરમવાળી હોવાનું બહાર આવ્યું છે. ગ્રામ સ્વરાજ સંઘ દ્વારા આપવામાં
આવેલાં નિવેદનમાં પણ વિસંગતતાઓ અને જવાબદારીથી છટકવા જેવું લાગતું હતું. શાળા પરિસરમાંથી
આચાર્ય વિપુલ ગોહિલનાં ખિસ્સામાંથી પ્રેગ્નન્સી સ્ટ્રીપ પડી હોવાનું સીસીટીવી કેમેરામાં
આવ્યા બાદ તેની કોઈ પૂછપરછ કરવાને બદલે તેને છૂટો કરી દેવામાં આવ્યો અને પીડિત સગીરાના
વાલીઓને સંસ્થામાંથી કોઈએ જાણ કરી અને બાદમાં સંસ્થાના ટ્રસ્ટીઓ અને વ્યવસ્થાપકોને
પીડીતાના વાલીઓ દ્વારા જાણ થઈ એ મુજબનું ગ્રામ સ્વરાજ સંઘનાં મંત્રી દિનેશભાઈ સંઘવીએ
પોલીસને નિવેદન આપ્યું હતું, જે સામે
આવેલી અને અંતરંગ વર્તુળોમાંથી મળેલી માહિતીથી અલગ જ લાગતું હતું. પોક્સો એક્ટ મુજબ
આવી ગંભીર ઘટનાની જાણ તરત જ પોલીસને કરવાની સંસ્થાની ફરજ હોય છે એમાંથી છટકવા માટે
આવું નિવેદન હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
પીડિતા અને તેનો પરિવાર જો ફરિયાદ માટે આગળ આવે તો જ કંઈ થાય અને દોષિતોને સજા
મળે, બાકી ગ્રામ સ્વરાજ સંઘનાં નિવેદનથી આ કેસ વધુ ભેદભરમવાળો
બની રહ્યો છે. નીલપર સરપંચ રાણીબેન સોલંકી
અને રાપર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આ દુષ્કર્મમાં સંડોવાયેલા આચાર્ય પર પોક્સો
સહિતની કલમો લગાડી કડકમાં કડક સજા અપાવવા, બાળ કલ્યાણ સમિતિ અને
મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં બાળકી તથા તેના વાલીનું કાઉન્સેલિંગ કરાવી એફઆઈઆર નોંધવા
પોલીસ દ્વારા સુઓમોટો કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યાં હતાં. એક મહિના પહેલાં
બનેલા બનાવની જાણ થયા બાદ પણ હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ ન નોંધાતાં જાણકારો આઘાત
સાથે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.