ગાંધીધામ, તા. 24 : વાગડમાં ખનિજચોરીનું દૂષણ વ્યાપક
બન્યું છે. કાર્યવાહી છતાય બેરોકટોક ખનિજચોરી થઈ રહી છે, તેની વચ્ચે વહીવટી તંત્ર દ્વારા રાપર અને ભચાઉ તાલુકામાં ખનિજચોરી સામે કાર્યવાહી કરાઈ છે. આ દરમ્યાન કરોડોની
કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ અંગે સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ
જિલ્લા કલેક્ટરની સૂચનાનાં પગલે ભચાઉ આસિસ્ટન્ટ
કલેક્ટર અભિષેક ટાલે, ભચાઉ મામલતદાર એમ.કે. રાજપૂત અને ખાણખનિજ વિભાગ દ્વારા ભચાઉ અને રાપર તાલુકામાં થઈ રહેલાં ગેરકાયદેસર ખનન અંગે ગત રાત્રિના અને આજે કાર્યવાહી કરાઈ હતી.
ભચાઉ તાલુકાના લોધેશ્વરથી ખારોઈ જતા રસ્તે, ભરત હોટેલ ઘરણા પાટિયા,
શિકારપુર તથા રાપર તાલુકાના ગાગોદર ખાતે ગેરકાયદેસર વ્હાઈટ માટી તથા
રેતીના પરિવહન કરતાં વાહનો સામે કાર્યવાહી કરાઈ હતી. આ દરમ્યાન રોયલ્ટી હોવાથી આઠ ટ્રક સીઝ કરવામાં આવી હતી તેમજ ગાગોદર ખાતે ગેરકાયદેસર
ખનન કરતાં એક હિટાચી મશીન અને એક ડમ્પર સીઝ કરાયાં હતાં. ગાગોદર ખાતે ખનન સ્થળે આગળની
કાર્યવાહી કરવા માટે ખાણખનિજ વિભાગની ટીમને જરૂરી સૂચના આપવામાં આવી હતી. આ કાર્યવાહી
દરમ્યાન ચાર કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વાહન
વિરુદ્ધ ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઈન લીગલ
માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી
દંડની કાર્યવાહી માટે સબંધિત પોલીસ સ્ટેશનમાં વાહનોનો કબજો સોંપવામાં આવ્યો છે. અત્રે
ઉલ્લેખનીય છે કે, વાગડમાં
અગાઉ ખનિજચોરી મામલે તંત્રએ કાર્યવાહી બાદ કબજે કરાયેલાં વાહનો માથાભારે તત્ત્વો છોડાવી ગયા હોવાના બનાવો પણ બન્યા
હતા તેમજ ખાણખનિજ વિભાગના અધિકારીઓ ઉપર હુમલા
અને રેકી પણ કરાઈ હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. રાજ્ય સ્તરની ટુકડી દ્વારા
પણ ખનિજચોરી સામે કાર્યવાહી અગાઉ કરાઈ છે.