• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

કુદરતી સૌંદર્યથી ઓપતું પ્રાચીન શિવાલય નીલકંઠ (પિયોણી) મહાદેવ

નખત્રાણા, તા. 31 : તાલુકા મથકથી 15 કિ.મી.ના અંતરે રામપર (સુમરી-રોહા)થી અબડાસા તાલુકાના કંડાય ગામ વચ્ચે કુદરતી સૌંદર્યની ગોદમાં નદી તટ પર આવેલું પ્રાચીન શિવાલય નીલકંઠ (પિયોણી) મહાદેવ પરિસર ભાવિક શ્રદ્ધાળુઓની બારેમાસ આવન-જાવનથી ગુંજતું રહે છે. પિયોણી મહાદેવથી પ્રસિદ્ધ આ શિવાલયે શ્રાવણ માસમાં પ્રતિ સોમવારે રૂદ્રાભિષેક, મહાઆરતી, મહાપ્રસાદ, દર અમાવાસ્યે યોજાતી પ્રસિદ્ધ ભજનિક કલાકારોની સંતવાણીનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. આ પવિત્ર સંસ્થાન પિયોણી મહાદેવના મહંત પૂ.સ્વામિહેમગિરિ ગુરુ ગજાનંદગિરિ મહાજન દ્વારા ગૌમાતા માટે ગૌશાળા, યાત્રી-દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર, ચા-પાણી, શ્વાન-પક્ષીઓની જીવદયા, બ્રહ્મલીન મહંત સ્વામિ ગંગાગિરિજી મહારાજ, બ્રહ્મલીન મહંત સ્વામિ અમરગિરિજી મહારાજ, બ્રહ્મલીન મહંત સ્વામિ ગજાનંદગિરિજી મહારાજની નિર્વાણ તિથિની ઉજવણી, દિવાળી, નૂતન વર્ષ, મહાશિવરાત્રિ જેવા પર્વોની ઊજવણી કરવામાં આવે છે. આ પ્રાચીન શિવાલયે કરશન હમીર ખારોટ, પાલુભગત, રામભગત, હરદાસભગત, કાકુભગત, સામતભગત, વાઘજી રાઠોડ, બબામારાજ, દેવપુરી ચેનપુરી, ખભુભગત, વેલજી ગજ્જર, નારાયણ સ્વામી, ઈસ્માઈલ વાલેરા, પ્રાણલાલ વ્યાસ, મોરારદાન પાધક, મુગુટલાલ જોશી જેવા નામી-અનામી કલાકારોએ સંતવાણીથી ભજનાનંદીઓનો પ્રભાવિત કર્યા છે.

Panchang

dd