ગાંધીધામ, તા. 31 : અંજારના અજાપર સીમ વિસ્તારમાં
તમંચો બતાવી ફાયરિંગ કરી ખેડૂત પાસેથી સોનાની ચેનની લૂંટ ચલાવનારી આંતરરાજ્ય ટોળકીનો
પોલીસે પર્દાફાશ કર્યો હતો. જેના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં
આવી હતી. અંજાર વરસામેડીના શાંતિધામ વિસ્તારમાં
રહેનાર ખેડૂત એવા ધનજી રામજી ખાટરિયા (આહીર) પોતાની દીકરીને અંજાર ખાતે હોસ્પિટલમાં
મૂકીને પોતાના મિત્રને મળવા જઈ રહ્યા હતા, ત્યારે અજાપર પાટિયા નજીક પહોંચતા પાછળથી બાઈકમાં આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ
કરી સોનાની ચેન રૂા. 90,000ની લૂંટ કરી
હતી તથા વીંટી લૂંટવા જતાં પ્રતિકાર બાદ ફરીથી આ શખ્સોએ ફાયરિંગ કર્યું હતું અને નાસી
ગયા હતા. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાયો હતો. પોલીસે આ પ્રકરણમાં કમર કસી અંજાર
શહેર તથા આસપાસ લાગેલા સી.સી.ટી.વી.ના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં અગાઉ અનેક ગુનામાં
આવી ગયેલો અશોક ઉર્ફે આર્યન રમેશ પ્રજાપતિ નામનો શખ્સ જણાયો હતો. તેને પકડી પાડી તેની
વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી, જેમાં પાંચ
જણ ગ્વાલિયર એમ.પી.થી અર્ટિગા લઈને કચ્છમાં લૂંટ કરવાના ઈરાદાથી આવ્યા હતા અને પોતે
તથા દીપક કુશ્વાહ, શિવ મેઘપર-કુંભારડીમાં ભાડેથી મકાન રાખી ત્યાં
રોકાયા હતા. આદિપુરમાંથી બાઈકની ચોરી કરી લૂંટ કરવા વરસાણા રોડ પર રેકી કરતા હતા,
દરમ્યાન ધનજીભાઈને ચેન, વીંટી પહેરેલ જોઈ જતાં
તેની પાછળ જઈ અને એકલતાનો લાભ લઈ સોનાની ચેનની લૂંટ કરી નાસી ગયા હતા. આ પ્રકરણમાં
પોલીસે અશોક સાથે અમિત મુનીલાલ જાટવ, જગદીશ ઉર્ફે ગોલુ,
વિનોદકુમાર જાટવને પકડી પાડયા હતા જ્યારે દીપક કુશ્વાહ અને શિવને પકડી
પાડવા આગળની તપાસ હાથ ધરી છે. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 7000, બે ફોન, અર્ટિગા ગાડી જપ્ત કરાઈ છે. પકડાયેલા અશોક સામે
અગાઉ પૂર્વ કચ્છમાં ચોરી, આર્મ્સ એકટના ગુના નોંધાયેલા છે. આ
કામગીરીમાં પી.આઈ. એચ.એમ. જાડેજા, જે.એમ. વાળા, પી.એસ.આઈ. એસ.જી. વાપી, ડી.જી. પટેલ તથા ટીમો જોડાઈ હતી.