• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

પદમપરમાં કુવામાંથી કોહવાયેલી લાશ મળી

ગાંધીધામ, તા. 31 : રાપર તાલુકાના પદમપર ગામમાં આવેલા કુવામાં પડી જતાં ધનજી રણછોડ નોર (ઉ.વ. 35) નામના યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ વરસામેડી પાસે માર્ગ ઓળંગતા અવધેશ અમરેશ રજાક નામના યુવાનને કારએ હડફેટમાં લેતા તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમજ અંજારના દેવરીયામાં વિરજી નારાણ મ્યાત્રા (ઉ.વ.45)એ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો.

પદમપર ગામમાં આવેલા કુવામાં ગઇકાલે રાત્રે એક લાશ દેખાઇ હતી. જે અંગે ભચાઉ અગ્નિશમન દળને જાણ કરાતા દળના સભ્યો અહીં દોડી આવ્યા હતા. 100 ફૂટથી વધુ ઊંડા આ કુવામાં 30 ફૂટ જેટલું પાણી ભરલું હતું. જેમાં લાશ દેખાઇ હતી. કોહવાય ગયેલી આ લાશને બહાર કાઢવાના પ્રથમ પ્રયત્નો નિષ્ફળ નીવયા હતા. બાદમાં ટીમના સભ્યને નીચે ઉતારી ખાટલો નાખી ખાટલા સાથે લાશને બહાર કાઢવામાં આવી હતી.

ગામના ધનજી નોર કોઇ કારણે થોડાક દિવસ પહેલા કુવામાં પડી ગયા હશે. તેમની લાશ કોહવાઇ ગઇ હતી લાશનું પીએમ કરાવવા જામનગર લઇ જવાઇ હતી આ યુવાન કુવામાં અકસ્માતે પડયો હતો ? કે અન્ય કાંઇ છે. તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

બીજી બાજુ વરસામેડી નજીક વેલસ્પન કંપની પાસે દરગાહની સામે ગઇકાલે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અવધેશ નામનો યુવાન ઇન્ડિયા કોલોનીથી નીકળી પગેચાલીને દરગાહની સામે માર્ગ ઓળંગી રહ્યો હતો. તેવામાં વરસામેડી બાજુથી આવતી કાર નંબર જી.જે. 12 એફ.એફ. 0945એ આ યુવાનને હડફેમાં લીધો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા કાર ચાલકે તેને વેલસ્પન કંપનીના ડબલ્યુ ગેટ પાસેની હોસ્પિટલમાં પહોંચાડી પોતે નાસી ગયો હતો. ઘવાયેલા યુવાનને વધુ સારવાર માટે આદિપુર લઇ જવાયો હતો જ્યાં તેણે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. કાર ચાલક સામે ગણેશ જામુન રજાકએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વધુ એક અપમૃત્યુનો બનાવ દેવરીયા ગામમાં બન્યો હતો અહીં રહેનાર વિરજી મ્યાત્રા નામના યુવાન ગત તા. 29-8ના રાત્રે પોતાના ઘરે હતો ત્યારે તેણે અગમ્ય કારણોસર છાપરામાં લાગેલા વાયર સાથે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Panchang

dd