ગાંધીધામ, તા. 31 : કિડાણા ગામ ખાતે વન વિભાગ દ્વારા કરવામાં આવેલ અર્બન ફોરેસ્ટ
વાવેતરમાં સામાજિક વનીકરણ રેન્જ-અંજાર દ્વારા મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી
કરાઈ હતી. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવના આયોજનથી
નાગરિકોમાં પર્યાવરણ ક્ષેત્રે વિશેષ જાગૃતિ આવશે તેમજ આ કેમ્પસમાં વન વિભાગ દ્વારા
18500 જેટલાં વૃક્ષનું વાવેતર કરાયું
છે. ગાંધીધામ શહેરની તેમજ આજુબાજુના ગામના લોકોને પ્રવેશ આપી આ નગર નંદનવનને એક પર્યટન
સ્થળ તરીકે વન વિભાગ અને મહાનગરપાલિકાના સંકલનથી
વિકસાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ
એક પેડ મા કે નામ અભિયાન વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને દરેક વ્યક્તિ એક પેડ મા કે
નામનું વૃક્ષનું વાવેતર કરે તેવી અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી
બોલતાં મેયર દિવ્યાબેન નાથાણીએ કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ વર્ષે પર્યાવરણ
જતન અને હરિયાળી ક્રાંતિ માટે ખૂબ જ પ્રશંસનીય અને વિસ્તૃત લક્ષ્યાંકો નક્કી કરવામાં
આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે ગાંધીધામને સ્વચ્છ, સુંદર અને ગ્રીન મહાનગર બનાવવાની આપણી સહિયારી
પ્રાથમિકતા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. વન
વિભાગના નેવીલ ચૌધરીએ જણાવ્યું હતું કે, વન આપણા જીવનનું અભિન્ન
અંગ છે. આપણે શ્વાસ લેવા હોય, પાણી પીવું હોય કે ધરતીની સજીવતા
જાળવવી હોય દરેક બાબતમાં વૃક્ષોનું મહત્ત્વ અતિ પ્રમુખ છે. સામાજિક વનીકરણ વિભાગ-કચ્છ
દ્વારા 700થી વધુ ગામમાં વાવેતર કરેલું
છે, જેમાં 4,20,000 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું
હોવાની માહિતી આપી હતી. ભારત વિકાસ પરિષદના પ્રમુખ સુરેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા 6 મહિનાથી આ સ્થળની જાળણવી કરવામાં આવી રહી
છે. અહીં વિકસાવાયેલી સુવિધાઓ અંગે વાત કરી તેમણે આ સ્થળ જંગલ નહીં, પરંતુ ગાંધીધામનું જંગલ હોવાની લાગણી વ્યક્ત
કરી હતી. આ પ્રસંગે વનતંત્ર અને મહાપાલિકાના પદાધિકારી, અધિકારીઓ
ઉપસ્થિત રહ્યા હતા.