નવી દિલ્હી, તા. 31 : દેશની રાજધાની
દિલ્હી ફરી એકવાર કલંકિત થઇ છે. નોઇડાથી દિલ્હી વચ્ચે દોડતી એક સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા પર બસના ડ્રાઇવર
અને કંડક્ટરે ગેંગરેપ આચર્યાની ભયાનક ઘટના સામે આવી છે. 47 કિલોમીટર સુધી ચાલતી બસમાં
સગીરા પર અત્યાચારનો ખુલાસો થયા બાદ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી કાનૂની કાર્યવાહી
હાથ ધરી છે. આ ઘટના ચાર ઓગસ્ટની રાત્રે બની હોવાનું સામે આવ્યું છે. ઉત્તરપ્રદેશના
મૈનપુરીની રહેવાસી અને 11મા ધોરણમાં
ભણતી 16 વર્ષની સગીરા પોતાના ઘરના સભ્યોથી
નારાજ થઈને નોઇડામાં રહેતા પિતરાઈ ભાઈના ઘરે જવા નીકળી હતી. ભારે વરસાદ અને અંધારાનાં
કારણે સગીરા ભૂલથી નોઇડાના પરી ચોક ખાતે ઊતરી ગઈ હતી. ત્યાંથી પસાર થઈ રહેલી એક ખાલી
સ્લીપર બસના ડ્રાઇવર અને કંડક્ટરે તેને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું કહીને બસમાં બેસાડી
લીધી હતી. બસ સૂરજપુર વર્કશોપમાંથી રિપારિંગ કરાવીને કાશ્મીરી ગેટ તરફ જઈ રહી હતી.
પરી ચોકથી કાશ્મીરી ગેટ સુધીના 47 કિલોમીટરની
મુસાફરી દરમિયાન બસના ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંતોષે સગીરા સાથે અશ્લીલ હરકતો કરી
સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. વિરોધ કરવા પર સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ
આપવામાં આવી હતી. બસ સ્લીપર હોવાથી અને તેના કાચ પર પડદા લાગેલા હોવાથી બહારના લોકોને
અંદર થઈ રહેલી ઘટનાની જાણ થઈ શકી નહોતી. દારિંદગી આચર્યા બાદ બંને આરોપી મોડી રાત્રે
સગીરાને કાશ્મીરી ગેટ બસ સ્ટેશન નજીક રિંગરોડ પર છોડીને ભાગી ગયા હતા. ગભરાયેલી સગીરાએ
હિંમત કરીને કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશન પહોંચીને પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી.
સગીરાની ફરિયાદ આધારે દિલ્હી પોલીસે તુરંત ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી.