ભુજ, તા. 31 : પાવરપટ્ટીના બિબ્બર ગામની શેરીઓમાં
થતા સી.સી. રોડના ગામોમાં ભારે ગરબડી આચરવામાં આવતી હોવાની ફરિયાદ પંચાયતના મહિલા સદસ્યએ
તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં કરી આ કામોની વહેલીતકે યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી
કરવાની રજૂઆત કરાઇ છે. ગામના સજનાઇવાસના વોર્ડ નં. 7માં હાલ સી.સી. રોડનું કામ સ્થાનિકના કોન્ટ્રાક્ટર દ્વારા થઇ
રહ્યું છે. આ વાસના મહિલા સદસ્ય ગંગાબેન સુરાજી જાડેજાએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર
પાઠવી ફરિયાદ કરી છે કે શેરીમાં ચાલતા સી.સી. રોડનું પૂરતું ખોદાણ થયું નથી. રોડમાં
વાપરવામાં આવતી માલ-સામગ્રી હલકી ગુણવત્તાવાળી હોઇ રોડની સાઇડો ખૂબ જ નબળી બની છે.
વળી સી.સી. રોડની લંબાઇ-પહોળાઇ પણ મંજૂર થયેલા કામ પ્રમાણે નથી. આ બાબતે કોન્ટ્રાક્ટર
પાસેથી કામ અંગે વર્ક ઓર્ડર માગતાં તે આપવાનો ઇન્કાર કરવામાં આવે છે તેમ જણાવાયું હતું.
મહિલા સદસ્યા દ્વારા ગામના સરપંચને પણ તકલાદી કામ અંગે ફરિયાદ કરતાં ઉડાઉ જવાબ આપી
દેતા હોવાના આક્ષેપો થયા છે, જેથી
નાછૂટકે તાલુકા કક્ષાએ રજૂઆત કરી ભ્રષ્ટ સી.સી. રોડના કામની કામગીરી અટકાવી તેની યોગ્ય
તપાસ કરવાની માગણી લેખિત પત્રમાં કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું હતું.