• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

વાંઢિયા : હોટલમાં વીજચોરીના કેસમાં આરોપીને 2 વર્ષની કેદ

ગાંધીધામ, તા. 31 : ભચાઉ તાલુકાના વાંઢિયા ગામ નજીક આવેલી હોટલમાં વીજ મીટરમાં છેડછાડ કરી લાખો રૂપિયાની વીજચોરી કરવાના ચર્ચિત કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી બે વર્ષની કેદનો ચુકાદો આપ્યો હતો. ભચાઉ તાલુકાના વાંઢિયા ગામ નજીક અજંટા હોટલ ધરાવતા હાજી સિદીક સુલેમાન ત્રાયા નામના પીજીવીએલના કાયદેસરના ગ્રાહકે પોતાની હોટલમાં આવેલા થ્રી ફેઝ વીજ મીટરમાં છેડછાડ કરી હતી. મીટરમાં રીડિંગ ન નોંધાય તેવી કાયમી વ્યવસ્થા કરી આરોપી વીજચોરી કરતા પકડાયો હતો. આ અંગે યુ.જી.વી.એસ.એલ. પોલીસ મથકે ધી ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમો તળે ગુનો નોંધાયો હતો. વીજ કંપની દ્વારા આરોપીને વીજચોરીના રૂા. 13,83,394 તથા કમ્પાઉન્ડીંગ ચાર્જ રૂા. 2,05,000 જાહેર કર્યા હતા. જે અંગે આરોપીએ રૂા. 13,83,400 ભરપાઇ કરી હતી પરંતુ સરકારી નાણાં રૂા. 2,05,000 ભરવાની ના પાડી હતી. આ કેસ ભચાઉ વિશેષ ઇલેક્ટ્રોસિટી જજ એવા બી. એલ. ચોઇથાપરી સમક્ષ ચાલ્યો હતો જેમાં 8 સાહેદોને તપાસાયા હતા તથા 15 જેટલા દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં સરકાર પક્ષ મદદનીશ સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર. જાડેજા હાજર રહી ધારદાર દલીલો, પૂરતા પુરાવા રજૂ કરી કડક સજા થાય તેવી રજૂઆત કરી હતી. બંને પક્ષોની દલીલો બાદ આરોપીને તકસીરવાન ઠેરવી બે વર્ષની સજા તથા રૂા. 15,81,398નો દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ બે વર્ષની સજાનો ચુકાદો આપવામાં આવ્યો હતો.

Panchang

dd