• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

અબડાસા, લખપત, નખત્રાણાના આઠ હજાર પરિવારને મિલકતના હક્ક આપો

નખત્રાણા, તા. 31 : અબડાસા મતવિસ્તારના ત્રણેય તાલુકા અબડાસા, લખપત અને નખત્રાણાના ગામડાંઓમાં રાજાશાહી વખતથી વડીલોપાર્જિત પોતાના વાડા, પરાં-વાંઢોમાં વસવાટ કરતા દરેક વર્ગના પરિવારોની એ જમીનોને પંચાયત દફતરે ચડાવી આકારણીમાં સ્થાન આપી જો નિયમિત કરી આપવામાં આવશે તો ગામડાંના નાગરિકો માટે સરકાર દ્વારા એક મોટું માનવતાનું કાર્ય થયું હોવાનું ગણાશે તેવી રજૂઆત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કરતા આવે છે. તેઓ વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિત તમામ સ્તરે છેલ્લાં આઠ વર્ષથી અવાજ ઉઠાવતા આવે છે, પરંતુ અંતે નારાજગી સાથે પોતાની સરકાર દ્વારા હજુ નિર્ણય નહીં લેવાતાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. ગામડાંના નાગરિકોને વર્ષોથી સમસ્યા સતાવે છે અને વડીલોના સમયથી ચાલી આવતી પરંપરા, જાગૃતિના અભાવનાં કારણે લોકો પોતાની મિલકતો પંચાયતમાં ચડાવી શક્યા નથી અને વર્ષોથી ત્યાં રહે છે, આવા કિસ્સા અમારી સમક્ષ ગામે-ગામમાંથી આવે છે, એટલે એક લોકપ્રતિનિધિ તરીકે એક મોટી સમસ્યા ઉકેલવી જરૂરી છે, એમ જણાવીને શ્રી જાડેજાએ કહ્યું કે, વડાપ્રધાન - મુખ્યમંત્રી સાથે વખતો - વખત પત્રવ્યવહાર કર્યા છે. તેમના તરફથી મહેસૂલ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. ચાર - ચાર મહેસૂલ મંત્રી બદલી ગયા, છતાં હજુ કોઈ દિશામાં નિર્ણય નથી આવ્યો. આ મુદ્દે તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો. સામાન્ય ગરીબી લોકોનો આ સામૂહિક પ્રશ્ન છે. કોઈની અજ્ઞાનતાનાં કારણે મિલકતવિહોણા કરવા તે પણ અન્યાય છે. ગ્રામ પંચાયત દ્વારા પાણી / સફાઈના વેરા વસૂલવામાં આવે છે. વીજળી જોડાણો છે, તો શા માટે એક સામૂહિક નિર્ણય લેવામાં વિલંબ કરવામાં આવે છે. એવું તેમણે 2018થી વિવિધ વિભાગો સાથે કરેલા પત્ર વ્યવહારની ફાઈલ આપીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીને રૂબરૂમાં, લેખિતમાં એમ પણ જણાવ્યું છે કે, એક બાજુ આપણે ઘરવિહોણા પરિવારોને ઘર આપીએ છીએ તેવી યોજના તો છે, જમીન પણ ફાળવવામાં આવે છે, તો પછી આવા ગરીબ પરિવારોને પોતાની જ જમીનમાં બાંધેલા વર્ષો જૂના ઘરોને માલિકી હક્ક આપવાના છે. તેમણે એક માનવીય નિર્ણય લેવાના મુદ્દે સરકારે અનુરોધ કર્યો છે અને કહ્યું કે, જાતઅભ્યાસ પ્રત્યેક ગામોમાં કર્યો છે. કોઈ એવા શ્રીમંત પરિવારો પણ નથી કે મોટા-મોટા બંગલા બનાવીને મોટી જમીનો કબજે કરી છે. એક સામાન્ય કાચા - નળિયાવાળા ઘરોમાં વસવાટ કરતા પરિવારો માટે નિર્ણય લેવામાં આવે તેવી શ્રી જાડેજાએ માગણી કરી હતી. સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે સ્વામિત્વ યોજના ચાલુ છે, તો આવા તમામ પરિવારોને આવરી લઈ ડ્રોન સર્વે કરાવવામાં સમાવેશ કરી માપણી કરી કાયદેસર મિલકતના કબજાના હદ-નિશાન એક વખત કરી દેવામાં આવશે તો કાયમી સમસ્યાનો અંત આવશે તેવું ધારાસભ્યે જણાવ્યું હતું. ખરેખર આવા પરિવારોને દબાણકારોની વ્યાખ્યામાં ગણવા જોઈએ નહીં, રાજ્ય સરકાર દ્વારા ખાસ નીતિ બનાવવામાં આવે અને અમારા અબડાસા મતવિસ્તારના ગ્રામીણ નાગરિકોને લાભ આપી પંચાયત આકારણી રજિસ્ટરમાં ચડાવવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો. ત્રણેય તાલુકામાં આવા કેટલા પરિવારો હશે કે પંચાયતમાં ચડયા ન હોય, આ સવાલ સામે શ્રી જાડેજાએ કહ્યું કે આ કોઈ એક ગામનો પ્રશ્ન નથી અને કોઈ સમાજનો પણ નથી, તમામ સમાજને લાભ મળી શકે. ત્રણ તાલુકામાં અંદાજે આઠ હજાર જેટલા પરિવારો છે જેમને પોતાની વડીલોપાર્જિત મિલકત હોવા છતાં દબાણવાળા ગણવામાં આવે છે. કેમ કે, પેઢીઓથી રહેતા આવ્યા છે, પણ અજ્ઞાનતા છે એ હકીકત છે, એમ તેમણે અંતમાં કહ્યું હતું.

Panchang

dd