નવી દિલ્હી, તા. 31 : પશ્ચિમ એશિયામાં
તાણ તેમજ વધતી મોંઘવારી વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)નાં
અનુમાન કરતાં વધુ મજબૂત રીતે આગળ વધી છે. ચાલુ નાણાંવર્ષના પહેલા ત્રિમાસિક ગાળા એપ્રિલથી
જૂન દરમ્યાન દેશનું સમગ્ર ઘરેલુ ઉત્પાદન (જીડીપી) 7.8 ટકા રહ્યું. રિઝર્વ બેન્કે સાત ટકાનું અનુમાન કર્યું હતું. વીતેલાં
વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી 6.9 ટકા રહ્યો હતો. કેન્દ્ર સરકારે સોમવારે આંકડા જારી કર્યા હતા.
બેંકિંગ, ફાયનાન્સ, રિયલ એસ્ટેટ,
આઈટી જેવાં ક્ષેત્રોમાં 10 ટકાથી વધુ વધારાનાં કારણે મોંઘવારીની અસર જીડીપી પર પડી નથી.
દેશના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જણાવ્યું હતું કે, વૈશ્વિક પડકારો છતાં ભારતીય અર્થવ્યવસ્થાના
વિકાસની ગતિ જળવાઈ રહી છે. આંકડા અનુસાર વાસ્તવિક જીડીપી 7.8 ટકાના દરે વધીને 81.36 લાખ કરોડ રૂપિયા રહ્યો, જે એક વર્ષ પહેલાં 75.46 લાખ કરોડ હતો.વૈશ્વિક અનિશ્ચિતતાઓ
વચ્ચે 7.8 ટકાનો વિકાસદર એ વાતનો સંકેત
છે કે, ઘરેલુ માંગ અને રોકાણ બન્ને મજબૂત છે. વિકાસદરના
વિશ્લેષણ પરથી એવું જણાય છે કે, વિવિધ સેવાઓ અર્થવ્યવસ્થાનો મુખ્ય
આધાર બની રહી છે. વ્યાપાર, હોટેલ, પરિવહન
અને સંચાર સંબંધિત સેવાઓમાં 8.5 ટકાની વૃદ્ધિ થઈ છે, તો જાહેર પ્રશાસન રક્ષા અને અન્ય સેવાઓમાં 7.5 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. દેશમાં
યાત્રી વાહનોની નોંધણીમાં 13.9 ટકા અને ઘરેલુ
વાહનોની નોંધણીમાં 1પ.9 ટકાનો વિકાસદર એ બતાવે છે કે, સામાન્ય ઉપભોક્તાની ખરીદીની ક્ષમતા અને વિશ્વાસ
બેય ટકેલા છે. પાંચમી ઓગસ્ટના રિઝર્વ બેન્કે જારી કરેલાં અનુમાન અનુસાર 2026-27ના આખા નાણાવર્ષ માટે ભારતનો
જીડીપી દર 6.7 ટકા રહેવાની શક્યતા છે. જો
કે, પહેલા ત્રિમાસિક ગાળામાં આશાથી વધારે ઊંચા આંકડા
સામે આવ્યા બાદ આરબીઆઈ તેનાં અનુમાનની સમીક્ષા કરે તેવી સંભાવના છે.